લંડનઃ અંબરડેલ નગરની આ નયનરમ્ય તસવીર જૂઓ... મન મોહી ગયું ને! વર્ષ 1890ના સમયગાળાનું બેકગ્રાઉન્ડ ધરાવતા અંબરડેલ નગરની આ પ્રતિકૃતિ 63 વર્ષની ભારે મહેનતને અંતે તૈયાર થઈ છે. સેવાનિવૃત્ત એન્જિનિયર ફિલિપ હાર્વેએ 1959માં તેના નિર્માણની શરૂઆત કરી હતી. અશ્વ અને રેલવેલાઇન તેમજ નદીઓ સાથેના આ નગરના મોડલને ફિલિપે પોતાની પૂરી મહેનત અને ખંતથી તૈયાર કર્યું છે. શરૂઆતમાં તેમણે પોતાની કેરેવાનમાં આ મોડલનું નિર્માણકાર્ય શરૂ કર્યું હતું. આ પછી 1966માં લગ્ન બાદ તેઓ પોતાના નવા મકાનમાં શિફ્ટ થયા હતા, જ્યાં તેમણે વિશાળ ગેરેજમાં આ નગરના મોડલનું નિર્માણ આગળ વધાર્યું હતું. અંબરડેલ નગરના આ મોડલમાં તમને રેલવેલાઈનના અંતે બજાર જોવા મળે છે. તો સાથે સાથે જ તેમાં પુલ, વહેતી નદી, ઝરણું વગેરે સાથે ગ્રામ્ય વિસ્તારની ઝલક જોવા મળે છે. આ ઉપરાંત મોડલમાં મકાનો પણ નજરે પડે છે અને માનવીના નખની સાઈઝના પુરુષોના મિનિએચર પણ ઉડીને આંખે વળગે છે. ફિલિપે પોતાની કલ્પનાના નગર અંબરડેલને અહીં મોડલમાં અદ્દલ રૂપ આપવાનો પ્રયાસ કર્યો છે.