લંડનઃ બ્રિટનમાં 4 જુલાઇએ યોજાનારી સંસદની ચૂંટણીમાં સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટી અને વડાપ્રધાન રિશી સુનાક કારમા પરાજયનો સામનો કરી રહ્યાં છે. યુગવના સરવે અનુસાર ભારતીય મૂળના વડાપ્રધાનને બ્રિટિશ ભારતીય મતદારોનું સમર્થન પણ હાંસલ થઇ રહ્યું નથી. સરવે અનુસાર 65 ટકા બ્રિટિશ ભારતીય મતદાર સુનાકની પાર્ટીથી ઘણા નારાજ છે.
સરવેમાં સામેલ બ્રિટિશ ભારતીયોએ જણાવ્યું હતું કે, પોતાના 18 મહિનાના કાર્યકાળમાં સુનાક દ્વારા ભારતીયોના હિતમાં કોઇ મોટાં પગલાં લેવાયાં નથી. વિઝાના નિયમો અગાઉ કરતાં વધુ આકરા બનાવવામાં આવ્યાં છે. સુનાક મોંઘવારી અને રોજગારના મુદ્દે પણ નક્કર પગલાં લઇ શક્યાં નથી.
બ્રિટનની 650માંથી લગભગ 50 બેઠકો પર જીત કે હારમાં ભારતીય મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તેમાંથી લેસ્ટર, બર્મિંગહામ, કોવેન્ટ્રી, સાઉથ હોલ અને હેરોસ જેવી 15 સીટો પર છેલ્લી બે ચૂંટણીમાં માત્ર ભારતીય મૂળના ઉમેદવારો જ જીતી રહ્યા છે. આ વખતે આ બેઠકો પર સત્તારૂઢ કન્ઝર્વેટિવ પાર્ટી પ્રત્યે ભારતીય મતદારો નારાજ છે. આ બેઠકો પર વિપક્ષી લેબર પાર્ટીના ઉમેદવારોને જબરદસ્ત સમર્થન મળી રહ્યું છે. હાલમાં કન્ઝર્વેટિવ પાસે આ 15માંથી 12 બેઠકો છે.