લંડનઃ બર્ન્ટ ઓક ખાતે 9 મેના રોજ સવારે 11.50 કલાકે 66 વર્ષીય અનિતા મુખીની એક વ્યક્તિ દ્વારા હત્યા કરી નાખવામાં આવી હતી. અનિતા એનએચએસ ખાતે મેડિકલ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા. તેઓ એક પ્રેમાળ પત્ની અને દાદી તથા પોતાના પરિવાર પ્રત્યે પ્રતિબદ્ધ એવા સન્નારી હતા. બ્રન્ટ ઓક બ્રોડવે ખાતે તેમના પર હુમલો થયો હતો. પોલીસ, એમ્બ્યુલન્સ સર્વિસ, પેરા મેડિકલ સ્ટાફે તેમને બચાવવાના ઘણા પ્રયાસ કર્યાં હતાં પરંતુ તેમનું સ્થળ પર જ મોત થયું હતું. પોલીસે આ હુમલા માટે જવાબદાર 22 વર્ષીય જલાલ દેબેલ્લાની કોલિનડેલ વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. પોલીસે તેને વિલ્સડેન મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પર લીધો હતો. અનિતા તેમના પતિ હરી, પુત્રી લૈલા, પુત્ર દેવ અને બે ગ્રાન્ડ ચિલ્ડ્રનને રડતાં મૂકીને ગયાં છે. અનિતા મુખી મૂળ મહારાષ્ટ્રના પૂણેના વતની હતા અને ઓસીઆઇ કાર્ડ ધરાવતા હતા.
ગયા ગુરુવારે અનિતા મુખી બર્ન્ટ ઓક બ્રોડવેના બસ સ્ટોપ પર સની રાહ જોઇ રહ્યાં હતા ત્યારે જલાલે તેમની હેન્ડબેગ છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો. નજરે જોનાર જેસ બ્લૂમે જણાવ્યું હતું કે, અનિતાએ લૂટારાનો સામનો કરતાં તેણે તેમને છરીના ઘા મારી દીધાં હતાં. આ જોઇને આસપાસના લોકો અનિતાને મદદ કરવા દોડી આવ્યા હતા.
મુખી પરિવારના એક મિત્રે જણાવ્યું હતું કે, આ એક કરૂણાંતિકા છે. અનિતા મુખી તેમના સંતાનો અને સંતાનોના સંતાનોની પણ ખુબ કાળજી લેતાં હતાં. આપણો સમાજ હવે કાયદાવિહોણો સમાજ બની ર્યો છે. આપણા સમાજમાં માનવ જીવનનું કોઇ મૂલ્ય રહ્યું નથી.
અનિતાના પાડોશીએ જણાવ્યું હતું કે, આ માન્યામાં આવે તેવું નથી. અમે ઘણા વિચલિત થયાં છીએ. અનિતા પ્રેમાળ પાડોશી હતાં. અમે હંમેશા વાત કરતાં હતાં. તેમણે તેમના સંતાનોનો અદ્દભૂત ઉછેર કર્યો હતો અને તેમની કારકિર્દીનું નિર્માણ કર્યું હતું. આ એક શાંત અને પ્રેમાળ પરિવાર હતો.