લંડનઃ નવા નિયમો અંતર્ગત યુકેની બેન્કોએ ફ્રોડ પીડિતોને પાંચ દિવસમાં 85000 પાઉન્ડ સુધીનું રિફંડ આપી દેવું પડશે. સ્કેમર્સ દ્વારા ફ્રોડનો ભોગ બનેલા લોકોને અત્યાર સુધી મોટાભાગની બેન્કો અને પેમેન્ટ કંપનીઓ દ્વારા ઇચ્છા થાય તે પ્રમાણે રિફંડ ચૂકવવામાં આવતું હતું. હવે વિશ્વમાં પહેલીવાર 7મી ઓક્ટોબરથી યુકેની બેન્કોએ પાંચ દિવસમાં જ રિફંડ ચૂકવી દેવું પડશે. જોકે પેમેન્ટ સિસ્ટમ રેગ્યુલેટર દ્વારા અગાઉના મહત્તમ રિફંડને ઘટાડીને 4,15,000 પાઉન્ડ કરાયું છે.
વોચડોગનો દાવો છે કે 85000 પાઉન્ડની નવી મર્યાદામાં 99 ટકા કરતાં વધુ દાવાનો નિકાલ થઇ જશે. એકવાર કસ્ટમરને રિફંડ ચૂકવ્યા બાદ બેન્ક અથવા તો પેમેન્ટ કંપની જે ફાઇનાન્સિયલ સંસ્થા દ્વારા ફ્રોડસ્ટરે નાણા ચોર્યાં હોય તેની પાસેથી અડધા રિફંડ માટે દાવો કરી શકશે.
જોકે ગ્રાહકો માટે કામ કરતી સંસ્થા વિચે ચેતવણી આપી છે કે રિફંડની મહત્તમ મર્યાદા ઘટાડવાના કારણે ભયજનક પરિણામ આવશે અને વોચડોગે તેની અસરો પર ધ્યાન આપવું પડશે.
યુકેમાં ઓથોરાઇઝ્ડ પુશ પેમેન્ટ ફ્રોડમાં વર્ષ 2023માં 12 ટકાનો વધારો નોંધાયો હતો. ફ્રોડના 2,32,429 કેસમાં સ્કેમસ્ટરોએ 459.7 મિલિયન પાઉન્ડનો ચૂનો લગાવ્યો હતો.