લંડનઃ 1970 અને 1980ના દાયકામાં ક્લિનિકલ ટ્રાયલો માટે બાળકોનો ગિનીપીગ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હોવાના ખુલાસા બીબીસી પાસેના કેટલાક દસ્તાવેજો પરથી થયો છે. બાળકો પર કરાયેલી ક્લિનિકલ ટ્રાયલોમાં બાળકોને બીમારીગ્રસ્ત લોહી ચડાવી દેવામાં આવતું હતું. યુકેમાં બાળકો પર અસુરક્ષિત ક્લિનિકલ ટેસ્ટિંગમાં ડોક્ટરો માટે દર્દીઓની જરૂરીયાતના સ્થાને રિસર્ચના પરિણામો વધુ મહત્વના હતા.
આ ક્લિનિકલ ટ્રાયલો 15 કરતાં વધુ વર્ષ જારી રહી હતી અને સેંકડો બાળકોનો ગિનીપીગ તરીકે ઉપયોગ કરાયો હતો. મોટાભાગનાને હિપેટાઇટિસ સી અને એચઆઇવીથી સંક્રમિત કરાયાં હતાં. બચી ગયેલા એક દર્દીએ જણાવ્યું હતું કે, મારો ગિનીપીગ તરીકે ઉપયોગ કરાયો હતો.
આ ક્લિનિકલ ટ્રાયલોમાં બ્લડ ક્લોટિંગની બીમારીથી પીડાતા હોય તેવા બાળકોનો ઉપયોગ કરાતો અને તેમાં માતાપિતાની મંજૂરી પણ લેવાતી નહોતી. આ ક્લિનિકલ ટ્રાયલોમાં ઉપયોગમાં લેવાયેલા બાળકો પૈકીના મોટાભાગનાના મોત થઇ ચૂક્યાં છે.
દસ્તાવેજો પરથી એવું પણ ફલિત થાય છે કે દેશભરના હેમોફિલિયા સેન્ટરોમાં કામ કરતા ડોક્ટરો ચેપગ્રસ્ત બ્લડ પ્રોડક્ટોનો ઉપયોગ કરતાં હતાં.