લંડનઃ 2016થી અત્યાર સુધીમાં યુકેમાં કાઉન્સિલો દ્વારા સંચાલિત 180 કરતાં વધુ પુસ્તકાલયો ક્યાં તો બંધ થઇ ગયાં છે અથવા તો સ્વયંસેવી સંસ્થાઓને સોંપી દેવાયાં છે. 950 જેટલી લાયબ્રેરીમાંથી 33 ટકાએ છેલ્લા આઠ વર્ષમાં તેના કામના કલાકો ઘટાડી દીધાં છે. તેના કારણે 2000 લોકોને નોકરી ગુમાવવી પડી છે. આગામી વર્ષોમાં મોટી સંખ્યામાં લાયબ્રેરી બંધ થવાની પણ સંભાવના છે.
લાયબ્રેરીઓ માટે કામ કરતી ચેરિટીના વડા ઇસોબેલ હંટરે જણાવ્યું હતું કે, અમને લાંબા સમયથી જેની શંકા હતી તે આ આંકડા પૂરવાર કરી રહ્યાં છે. વર્તમાન સમયમાં લાયબ્રેરીની અત્યંત આવશ્યકતા છે ત્યારે જ તેઓ સૌથી વધુ મુશ્કેલીઓનો સામનો કરી રહી છે.
બાળકોના નિષ્ણાત માઇકલ રોસેન કહે છે કે હું ભયાવહતા અને દુઃખની મિશ્રિત લાગણી અનુભવી રહ્યો છું. લાયબ્રેરીઓ સોફ્ટ ટાર્ગેટ બની રહી છે. સત્તાવાળાઓ એમ માની રહ્યાં છે કે જો તમે લાયબ્રેરી બંધ કરશો તો કોઇ મરી જવાનું નથી. પરંતુ તેના કારણે જનતા અને સમાજને મોટાપાયે નુકસાન થઇ રહ્યું છે.
હંટરે જણાવ્યું હતું કે, પુસ્તકાલયોની જાળવણી મૂલ્યવાન છે. પુસ્તકાલયોમાં રોકાણ કરવાથી સમાજ અને કરદાતાઓને મોટું વળતર મળી રહે છે. લાયબ્રેરી સાક્ષરતા, આરોગ્ય, ડિજિટલ સ્કીલની સાથે સાથે રોજગાર પણ ઉપલબ્ધ કરાવે છે.