લંડનઃ લેબર સરકાર દ્વારા ખાનગી શાળાઓની ટ્યુશન ફી પર વેટ વસૂલવાની કવાયતે ઘણા માતાપિતાને મુશ્કેલીમાં મૂકી દીધાં છે. સરકાર ખાનગી શાળાઓને ટ્યુશન ફી પર અપાતી વેટ મુક્તિ પાછી ખેંચી લેવાની હોવાથી 85 ટકા વાલીઓ તેમના સંતાનોને પ્રાઇવેટ સ્કૂલોમાંથી સરકારી સ્કૂલોમાં મોકલવાની વિચારણા કરી રહ્યાં છે.
હાલમાં પ્રાઇવેટ સ્કૂલોને ટ્યુશન ફી પર કોઇ વેટ ચૂકવવો પડતો નથી પરંતુ લેબર સરકાર જાન્યુઆરી 2025થી ખાનગી શાળાઓ પાસેથી 20 ટકા વેટ વસૂલવાની તૈયારી કરી રહી છે. તેની ઘોષણા ઓટમ બજેટમાં કરાય તેવી સંભાવના છે.
ઘણા વાલીઓએ તો તેમના સંતાનોને ખાનગી શાળાઓમાંથી ઉઠાવી લેવાનું પણ શરૂ કરી દીધું છે. તેમના મતે ફીમાં વધારો તેમને પોષાય તેમ નથી. સરવેમાં ભાગ લેનારા 50 ટકા કરતાં વધુ વાલીઓને શાળાઓ તરફથી નોટિસ મળી ચૂકી છે કે તેમને ફીમાં 20 ટકાનો વધારો ચૂકવવો પડશે.
બીજીતરફ 93 ટકા વાલીઓએ જણાવ્યું હતું કે, અમે અમારા સંતાનોને સરકારી શાળામાં દાખલ કરવા ઇચ્છીએ છીએ પરંતુ ત્યાં અમને એડમિશન મળી રહ્યાં નથી. કેટલાક વાલીઓ તો તેમના સંતાનોને ઘરમાં જ ભણાવવાની તૈયારી કરી રહ્યાં છે પરંતુ તે માટે બેમાંથી એક વાલીએ નોકરી છોડવાની નોબત આવી શકે છે.
જો લેબર સરકાર ટ્યુશન ફી પર વેટ લાગુ કરશે તો યુકે વિશ્વમાં શિક્ષણ પર ટેક્સ વસૂલનારો પ્રથમ દેશ બની રહેશે.