લંડનઃ ગયા અઠવાડિયે BBC Newsnightએ તેના યુકે એડિટર તરીકે સીમા કોટેચાની નિમણુંકની જાહેરાત કરી હતી. BBC ના અગ્રણી સંવાદદાતા અને છેલ્લાં ૧૭ વર્ષથી પત્રકાર સીમા કોટેચા BBC ના ઈતિહાસમાં ઉચ્ચ હોદ્દો ધરાવનારા પ્રથમ બ્રિટિશ ભારતીય બન્યા છે. BBC Newsnightયુકેનો સાંપ્રત પ્રવાહો વિશેનો યુકેનો સૌથી પ્રતિષ્ઠિત કાર્યક્રમ છે. આ મહત્ત્વની કામગીરી માટે તેઓ બર્મિંગહામમાં રહેશે. યુકેના ચાર દેશોના અહેવાલ આપવાના હોવાથી તેઓ આ શહેરનો મુખ્યમથક તરીકે ઉપયોગ કરશે. સીમા BBC Breakfast Showના નિયમિત પ્રેઝન્ટર છે.
મૂળ બેસિંગ્સ્ટોકના સીમા બીબીસી સાથે ૨૦૦૩થી કામ કરી રહ્યા છે. બીબીસી સાથેની કારકિર્દી દરમિયાન તેમણે રેડિયો પ્રેઝન્ટર, ન્યૂઝ કોરસપોન્ડન્ટ અને ઈન્ટરનેશનલ કોરસપોન્ડન્ટ તરીકે ફરજ બજાવી છે. તેમની સાથે કામ કરતા ટીવી પ્રેઝન્ટર નાગા મુન્ચેટ્ટી સહિત ઘણાં લોકોએ સીમા કોટેચાને અભિનંદન પાઠવ્યા હતા.
તાજેતરના વર્ષમા સીમાનું ઈટાલીમાં પોસ્ટિંગ કરાયું હતું. ૨૦૨૦ની શરૂઆતમાં પહેલી વિનાશક કોવિડ મહામારી ફાટી નીકળી ત્યારે જોખમ હોવા છતાં ત્યાંથી તેમણે રિપોર્ટિંગ કર્યું હતું. તેમણે જોખમી પરિસ્થિતિમાં રિપોર્ટિંગ કર્યું હોય તેવું આ પ્રથમ વખત ન હતું. તેમણે અફઘાનિસ્તાનમાં હેલમેન્ટ પ્રાંતમાંથી પણ રિપોર્ટિંગ કર્યું હતું. તેમણે ૨૦૦૮માં અમેરિકાના પ્રમુખપદની ઐતિહાસિક ચૂંટણી, ઘણી વખત ઓસ્કાર એવોર્ડ્ઝ તેમજ હૈતીમાં આવેલા ભૂકંપ વખતે કવરેજ કર્યું હતું.
તેઓ ૧૯૭૦ના દસકામાં યુકે આવેલા ઈસ્ટ આફ્રિકન એશિયનના પુત્રી છે. તેથી ન્યૂઝનાઈટના યુકે એડિટર તરીકે સીમાની નિમણુંક મુખ્યપ્રવાહના પત્રકારત્વમાં સ્થાનની બાબતે બ્રિટિશ ભારતીયો માટે ગર્વની પળ છે.
નિમણુંક પછી સીમા કોટેચાએ જણાવ્યું કે આ નવી કામગીરી માટે તેઓ ખૂબ ગૌરવની લાગણી અનુભવે છે અને તેઓ તેને દર્શકો તથા વિશાળ જનસમૂહને સ્પર્શતા ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમને વધુ અસરકારક બનાવવાની તક તરીકે જૂએ છે.
તેમણે આશા વ્યક્ત કરી હતી કે તેમની આ નિમણુંકથી યુવા પત્રકારોને અને તેમાં પણ ખાસ કરીને વંશીય પશ્ચાદભૂમિકાના પત્રકારોને આગળ આવવા અને પત્રકારત્વમાં જોડાવાનું પ્રોત્સાહન મળશે.