એન્ટિબાયોટિક્સના પ્રીસ્ક્રિપ્શન્સમાં અભૂતપૂર્વ વૃદ્ધિઃ એન્ટિબાયોટિક્સનો પ્રતિકાર કરી શકે તેવા સુપરબગ્સ વધી રહ્યાની ચેતવણીઓ છતાં NHS દ્વારા પેશન્ટ્સને મોટા પ્રમાણમાં એન્ટિબાયોટિક્સ અપાઈ રહી હોવાનું એક રિપોર્ટમાં જણાવાયું છે. નિષ્ણાત ડોક્ટર્સની ચેતવણીઓને અવગણી હોસ્પિટલ્સ અને આઉટ ઓફ અવર્સ જીપી અનાવશ્યક પ્રીસ્ક્રિપ્શન્સમાં કાપ મૂકવામાં નિષ્ફળ રહ્યાં છે. આરોગ્ય સેવા અકલ્પનીય કિંમતી સ્રોત વેડફી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
સ્મગલ્ડ કારમાં ૩૭ મિલિયન પાઉન્ડનું હેરોઈન છૂપાવાયુંઃ લૂટન ક્રાઉન કોર્ટ સમક્ષ સુનાવણીમાં જેગુઆર કારમાં હેરોઈન ડ્રગ્સના ૩૧૬ પેકેટ્સ છૂપાવાયા હોવાની રજૂઆત થઈ હતી. ગત વર્ષે ડિસેમ્બરમાં આ કાર પાકિસ્તાનથી કન્ટેનર શિપમાં રિપેરિંગના દસ્તાવેજો હેઠળ બ્રિટનના ફેલિક્સસ્ટોવે પોર્ટ પર લવાઈ હતી. ઈગ્નિશન, ડેશબોર્ડ, એન્જિન અને ઈલેક્ટ્રિક વાયરિંગ વિના ચલાવી ન શકાય તેવી જેગુઆર કારમાં ઘૂસાડાયેલી ડ્રગ્સની બજારકિંમત ૩૭ મિલિયન પાઉન્ડથી વધુ હતી. આ અંગે પકડાયેલા ઈસરાર ખાન (લૂટન), નોમાન કુરેશી (બ્રેડફર્ડ) અને મોહમ્મદ સફદરે (ઈસ્ટ હામ) ગુનાનો ઈનકાર કર્યો હતો.
પૂર્વ ટ્રસ્ટી દ્વારા પેરિશનિવાસીઓ સાથે ઠગાઈઃ એસેક્સના બકહર્સ્ટ હિલ ખાતે સેન્ટ જ્હોન્સ ચર્ચના પૂર્વ ટ્રસ્ટી અને મેજિસ્ટ્રેટ પેટ્રિક કોપીઆર્ડે સાથી પેરિશનર્સ સાથે લાખો પાઉન્ડની ઠગાઈ કરી હોવાનું બહાર આવ્યું છે. કોપીઆર્ડ ઈન્વેસ્ટમેન્ટ બેન્ક મેરીલ લીન્ચમાં કામ કરતા હતા ત્યારે વિશ્વાસપાત્ર રોકાણકારનો સ્વાંગ રચી મિત્રો અને પડોશીઓને લાખો પાઉન્ડ રોકાણ કરવા માટે મેળવ્યા હતા. આ કૌભાંડ વર્ષો સુધી જાહેર થયું ન હતું. જોકે, ખુદ પેટ્રિકે તેની કબૂલાત કરી લીધી હતી. તેને ૬૧ લોકો સાથે સાત આંકડાની છેતરપિંડી બદલ જેલની સજાનો સામનો કરવો પડશે.
નિવૃત્તિ વયમાં દર વર્ષે છ મહિનાનો વધારો ઈચ્છતી સરકારઃ સરેરાશ નિવૃત્તિવયમાં દર વર્ષે છ મહિનાનો વધારો થતો રહે તેમ બ્રિટિશ સરકાર ઈચ્છે છે. લાંબો સમય કાર્ય કરતા રહેવાથી નિવૃત્તિકાળે આવકમાં ૧૦ ટકાના વૃદ્ધિ થશે તેમ માનતા પેન્શન્સ મિનિસ્ટર સ્ટીવ વેબ આ યોજનાને મહત્ત્વાકાંક્ષી ગણાવી રહ્યા છે. વૃદ્ધોની સંભાળ અને પેન્શન પાછળના વધતા ખર્ચને સરભર કરવા તેમ જ ટેક્સની વધુ આવક મેળવવાં આ પગલું આવશ્યક હોવાનું સરકાર માને છે. ડિપાર્ટમેન્ટ ઓફ વર્ક એન્ડ પેન્શન્સ દ્વારા સૌપ્રથમ વખત વર્કર્સની નિવૃત્તિવય વધારવા ચોક્કસ લક્ષ્યાંક રખાયો છે.