લંડનઃ રેવન્યુ અને કસ્ટ્મ્સ વિભાગે તેના ગ્રાહકો મળતાં નકામા ઈમેઈલ્સની સંખ્યામાં આ વર્ષે ૩૦૦ મિલિયનનો સફળ ઘટાડો કર્યો છે, જેના પરિણામે કરદાતાઓને ફ્રોડ અને ઓળખની ચોરીમાંથી સારી સુરક્ષા આપી શકાશે. કથિત ‘@HMRC.gov.uk’ ઈમેઈલ એડ્રેસ મારફત ૨૦૧૪ અને ૨૦૧૫માં ગ્રાહકોને નકામા કે ગેરમાર્ગે દોરતાં અડધા બિલિયન જેટલાં ઈમેઈલ્સ મોકલાયાં હતા, તેમાં આટલો મોટો ઘટાડો સૂચવે છે કે વિભાગ આ પ્રકારની સાયબર ધમકીઓ સામે સફળ કામગીરી બજાવી રહ્યો છે.
HMRCના સાયબર સિક્યુરિટીના વડા એડ ટકરે જણાવ્યું હતું કે,‘છેતરપીંડીયુક્ત ઈમેઈલ્સ પર અમારી ટીમનું ધ્યાન કેન્દ્રિત કરાયું છે. ક્રિમિનલ્સ આવાં મેસેજીસ દ્વારા લોકોનું શોષણ તેમજ તેમના અંગત અને ફાઈનાન્સિયલ ડેટા હાંસલ કરે છે, જે ફ્રોડ અને ઓળખની ચોરી તરફ દોરી જાય છે. નવી સિક્યુરિટી ટેકનોલોજીના સહારે હવે ખોટાં HMRCના ઈમેઈલ એડ્રેસના નામે મોકલાતાં નકામા ઈમેઈલ્સ ગ્રાહકો સુધી પહોંચી શકશે નહિ.’
DMARC ઈમેઈલ ઓથેન્ટિકેશન પ્રોટોકોલના અમલથી વિભાગને આ સફળતા મળી છે. સંસ્થા દ્વારા ઈમેઈલ મોકલવા કયા ઈમેઈલ સર્વરને પરવાનગી અપાય તેના નિર્ણયના આધારે સિક્યુરિટી સિસ્ટમ કાર્ય કરે છે. જો ઈમેઈલ આ ચેકિંગમાંથી પસાર થાય તો જ તે આગળ જઈ શકે છે. તાજેતરમાં જ યુકે આઈટી એવોર્ડ્સ ખાતે સિક્યુરિટી પ્રોફેશનલ ઓફ ધ યરનો એવોર્ડ જીતનારા ટકરે જણાવ્યું હતું કે,‘આનો અર્થ એવો નથી કે HMRCના નામે મોકલાતાં ફ્રોડ ઈમેઈલ્સનો સંપૂર્ણ અંત આવી ગયો છે પરંતુ તેનાથી લાખો નકામા મેસેજીસ આગળ વધતાં બંધ થઈ ગયાં છે અને ક્રિમિનલ્સના મેસેજીસ ઓછાં કાયદેસર લાગશે અને અમારા ગ્રાહકો તેને ઓળખી શકે તેવી શક્યતા વધી જશે.’