IDUK ગ્રૂપ દ્વારા સ્લાઉમાં ભારતના સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઊજવણી

Tuesday 20th August 2024 10:29 EDT
 
 

સ્લાઉઃ ઈન્ડિયન ડાયસ્પોરા ઈન ધ યુકે (IDUK) ગ્રૂપ દ્વારા સ્લાઉમાં ભારતીય ડાયસ્પોરાના નોંધપાત્ર અગ્રણીઓ સાથે ભારતના 78મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી. ભારતીય ડાયસ્પોરામાં મજબૂત સાંસ્કૃતિક સંબંધો અને રાષ્ટ્રપ્રેમને દર્શાવતા કાર્યક્રમમાં સંખ્યાબંધ અગ્રણીઓ, બાળકો સહિત 500થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. સ્લાઉના મેયર બલવિન્દર સિંહ ધિલ્લોનજી દ્વારા ધ્વજવંદન કરાવાયું હતું, આઝાદી અને એકતાની ભાવના સાથે એકત્ર લોકોએ ફરકી રહેલા તિરંગા ધ્વજને સલામી આપી હતી.
મેયર ધિલ્લોનજીએ આ પ્રકારના કાર્યક્રમોના આયોજન થકી કોમ્યુનિટીના લોકોને એકત્ર કરવાના IDUKના પ્રયાસોને બિરદાવ્યા હતા. કાઉન્સિલના નેતા ડેક્સટર સ્મિથે કોમ્યુનિટીના સમર્પણ અને ઉત્સાહની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે,‘કામકાજના દિવસે પણ સવારના 7.30 વાગ્યે આટલી મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય તે ખરેખર અદ્ભૂત છે.’ તેમણે ભારત અને યુકે તેમજ બંને દેશની પ્રજા વચ્ચેના મજબૂત બંધન પર ભાર મૂક્યો હતો.
આ કાર્યક્રમમાં પૂર્વ આર્મી ઓફિસર મિ. અશોક ચૌહાણ, પૂર્વ મેયર મિ. મેવા માન, કાઉન્સિલર સુભાષ મોહિન્દ્ર, કાઉન્સિલર નીલ રાણા, કાઉન્સિલર ચંદ્રા મુવાલા, કાઉન્સિલર ગુર ચરણ સિંહ, કાઉન્સિલર ધ્રૂવ તોમર અને કાઉન્સિલર મોહમ્મદ નઝીર સહિત પ્રતિષ્ઠિત મહેમાનોએ ઉપસ્થિત રહી ઊજવણીને સફળ બનાવવા યોગદાન આપ્યું હતું.
મિ. આશિષ મિશ્રાના યજમાનપદ હેઠળ ઈવેન્ટ સરળતાથી ચાલે અને લોકસંપર્ક જળવાય તેની વ્યવસ્થા બેમિસાલ હતી. ઈવેન્ટના આયોજકો અને IDUKના સહસ્થાપકો મિ. હ્રિદેશ ગુપ્તા, અજય મુરુડકર અને આલોક ગુપ્તાએ ભાગ લેનારા સહુના ઉત્સાહ અને વહેલી સવારે ઊજવણીમાં સામેલ થવાની પ્રતિબદ્ધતા પ્રત્યે હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે આ ઈવેન્ટ શક્ય બનાવવા બદલ સ્પોન્સર્સના સપોર્ટ તેમજ અવિરત મદદ કરવા બદલ IDUK સ્વયંસેવકોની ટીમ અને સુરક્ષા પૂરી પાડવા માટે TVP પોલીસ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
ઈન્ડિયન ડાયસ્પોરા ઈન ધ યુકે (IDUK) ગ્રૂપ યુકેમાં રહેતા ભારતીયોમાં સામુદાયિક ભાવના જગાવવા માટે પ્રતિબદ્ધ સંસ્થા છે જે, સાંસ્કૃતિક વારસાને આગળ વધારવા સાથે ભારત અને યુકે વચ્ચેના સંબંધો મજબૂત બને તેવા ઈનિશિયેટિવ્ઝને સપોર્ટ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter