લંડનઃ યુકેના ઓડિટ ઈતિહાસમાં KPMGએ સૌથી મોટા દંડમાં એકની ચૂકવણી કરવી પડશે. KPMGના પૂર્વ સ્ટાફ દ્વારા ડોક્યુમેન્ટની બનાવટ કરી કોલેપ્સ થયેલી આઉટસોર્સર કેરિલીઓન સહિતની કંપનીઓના ઓડિટ બાબતે રેગ્યુલેટરને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. દસ્તાવેજોની બનાવટ બદલ KPMGને 14.4 મિલિયન પાઉન્ડનો દંડ કરવામાં આવશે.
એકાઉન્ટન્ટ્સ પર નિયંત્રણ રાખતી ધ ફાઈનાન્સિયલ રિપોર્ટિંગ કાઉન્સિલે (FRC) લંડન ટ્રિબ્યુનલ સુનાવણીમાં 14.4મિલિયન પાઉન્ડની પતાવટને સમર્થન આપ્યું હતું. કાઉન્સિલે કહ્યું હતું કે કર્મચારીઓ દ્વારા વોચડોગને ખોટી રજૂઆતની અતિ ગંભીર ગેરવર્તણૂક બદલ KPMGએ ભારે ઠપકાનો પણ સામનો કરવો પડશે.
કેરિલીઓન અને સોફ્ટવેર ફર્મ રીજિનેસીસ માટે 2014થી 2016ના ગાળામાં કરાયેલા ઓડિટની સત્યતા દર્શાવતા ઓડિટ ક્વોલિટી રીવ્યૂઝ (AQR)ના ભાગરૂપે ગેરમાર્ગે દોરતી માહિતી સંબંધે આ દંડ કરાયો છે. KPMG અને પૂર્વ કર્મચારીગણે FRCને ડોક્યુમેન્ટ્સ આપતા પહેલા પાછલી અસરથી મીટિંગની ખોટી મિનિટ્સ બનાવી હતી તેમજ સ્પ્રેડશીટ્સ સુધાર્યા હોવાના FRCના આક્ષેપોને ટ્રિબ્યુનલે માન્ય રાખ્યા હતા.
અગાઉ, KPMGને 20 મિલિયન પાઉન્ડનો સૌથી મોટો વિક્રમી દંડ થવાનો હતો પરંતુ, ફર્મના સહકાર અને ગુનો સ્વીકારવાની તૈયારીના લીધે દંડ ઘટાડી 14.4 મિલિયન પાઉન્ડ રખાયો હતો. અગાઉ, 2020માં ડેલોઈટને 15 મિલિયન પાઉન્ડનો દંડ કરાયેલો છે.