કંપાલાઃ યુગાન્ડાના મહાનગરના આંગણે યોજાયેલા લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ (LIBF) ‘આફ્રિકા કોલિંગ’માં વિશ્વના 23 દેશોમાંથી 800 લોહાણા પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. પ્રેસિડેન્ટ મુસેવિનીએ લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમના આયોજન માટે યુગાન્ડા પર પસંદગી ઉતારવા બદલ વૈશ્વિક લોહાણા સમુદાયનો આભાર માન્યો હતો.
સ્ટેટ પ્રાઇવેટાઇઝેશન એન્ડ ઇન્વેસ્ટમેન્ટ મિનિસ્ટર એવલીન અનિતે કહ્યું હતું કે વિશ્વભરમાં ફેલાયેલા 2.5 મિલિયન લોહાણા માટે યુગાન્ડામાં મૂડીરોકાણની વિપુલ તકો છે. તેમણે કહ્યું હતું કે વિપુલ કુદરતી સંસાધનો અને તકો ઉપરાંત પ્રેસિડેન્ટ મુસેવેનીના નેતૃત્વમાં સરકાર મૂડીરોકાણકારોને ઉદાર રાહતો આપે છે.
તેમણે લોહાણા રોકાણકારોને યુગાન્ડામાં કૃષિ, માઇનિંગ, ઉત્પાદન, રિઅલ એસ્ટેટ અને સેવાઓના ક્ષેત્રોમાં ઉપલબ્ધ વિપુલ તકોને ઝડપી લેવા ઉઠાવવા અનુરોધ કર્યો હતો.
કમ્પાલાના સ્પેકે રિસોર્ટમાં 19 માર્ચથી શરૂ થયેલા અને 22 માર્ચ સુધી ચાલનારા લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમમાં યુગાન્ડાવાસી લોહાણા સમુદાયના ટોચના અગ્રણીઓ હાજરી આપી રહ્યા છે.