લંડનઃ NHS England દ્વારા ૧૨ મહિનાના પાયલટ પ્રોજેક્ટમાં દાયકાઓથી અંધાપો ભોગવી રહેલા ૧૦ પેશન્ટને Argus II બાયોનિક આઈ બેસાડવામાં આવશે. બાયોનિક આઈમાં સિક્ષ્મ વિડિયો કેમેરાનો સમાવેશ થાય છે, જે સામેની ઈમેજિસને આંખના ડોળાની પાછળ ઈમ્પ્લાન્ટ કરાયેલી ચીપને મોકલી આપે છે. Argus II બાયોનિક આઈ ઉપકરણની કિંમત ૧૫૦,૦૦૦ પાઉન્ડ છે. આ ૧૦ પેશન્ટના જૂથનું મૂલ્યાંકન કર્યા પછી વારસાગત રોગ રેટિનાઈટિસ પિગમેન્ટોસાથી પીડાતા બ્રિટનના અંદાજે ૧૬,૦૦૦ પેશન્ટ્સમાંથી ૩૨૦ પેશન્ટ્સમાં ૨૦૧૯ સુધીમાં તેના ઉપયોગનો નિર્ણય લેવાશે.
બાયોનિક આઈમાં ખાસ ચશ્માના કાચના ઉપયોગ દ્વારા સ્થળ કે ઘટનાનો વિડિયો લેવાય છે, જે પેશન્ટની આંખમાં ઈમ્પ્લાન્ટ કરાયેલી ચીપને બ્રેઈન દ્વારા વાંચી શકાય તેવા ઈલેક્ટ્રિકલ ઈમ્પલ્સ કે તરંગના સંદેશા તરીકે મોકલવામાં આવે છે. ઈલેટ્રોનિક સિગ્નલ્સ રેટિનાની પાછળ ખામીપૂર્ણ કોષો પર લગાવાયેલા ઈલેક્ટ્રોડ્સને મોકલાય છે તેનાથી રેટિનાના બાકી કોષો ઉત્તેજિત થાય છે અને મગજ પર પ્રકાશની ચોક્કસ પેટર્ન્સ સર્જાય છે. સમય જતાં પેશન્ટ આ પદાર્થોને ઓળખતો થાય છે.
માન્ચેસ્ટર રોયલ આઈ હોસ્પિટલ અને લંડનની મૂરફિલ્ડ્સ આઈ હોસ્પિટલના નિષ્ણાતો દ્વારા ૧૦ પેશન્ટ્સ પર ગત આઠ વર્ષમાં Argus II બાયોનિક આઈની સફળ ટ્રાયલ કરવામાં આવી છે. રેટિનાઈટિસ પિગમેન્ટોસા અસાધ્ય રોગ છે, જેમાં આંખના પાછળના હિસ્સામાં રેટિના કામ કરવાનું બંધ કરે છે. ઓગસ્ટ ૨૦૦૯માં લેન્કેશાયરના ફ્લીડવૂડના કિથ બેમેનને બાયોનિક આઈ લગાવાઈ હતી. તેમને રેટિનાઈટિસ પિગમેન્ટોસા થવાથી તેઓ ૨૫ વર્ષ સંપૂર્ણ અંધ રહ્યા હતા.