લંડન: યુકેમાં જાહેર આરોગ્ય માટેની સૌથી આવશ્યક સેવા એવી નેશનલ હેલ્થ સર્વિસ ધરાશાયી થવાના આરે પહોંચી ગઇ છે. સ્થાપનાના 75 વર્ષ બાદ એનએચએસ ઇતિહાસની સૌથી બદતર કટોકટીનો સામનો કરી રહી છે. ડિસેમ્બર 2022માં જ એ એન્ડ ઇ ખાતે 54,000 દર્દીઓને બેડ મેળવવા માટે 12 કલાક રાહ જોવી પડી હતી, 8 લાખ દર્દીઓને ચેક અપ માટે 4 કલાક કરતાં વધુ રાહ જોવી પડી હતી. એક સરેરાશ દર્દીને બેડ મેળવવા માટે 99 કલાક રાહ જોવી પડી હતી. છેલ્લા 12 મહિનામાં સારવારમાં થતા વિલંબને કારણે 50,000 લોકોના મોત થયાં છે. ક્રિસમસના સપ્તાહમાં એમ્બ્યુલન્સના વિલંબને કારણે 1600 દર્દીનાં મોત થયાં હતાં.
સોસાયટી ફોર એક્યુટ મેડિસિનના પ્રમુખ ટીમ કૂકસ્લે કહે છે કે કોરોના મહામારી કરતાં પણ અત્યારે સ્થિતિ વધુ બદતર બની છે. નોકરી પર જાવ ત્યારે કોરિડોરમાં દર્દીઓ જોવા મળે તે સામાન્ય બાબત બની રહી છે. આ એક અસ્વીકાર્ય બાબત છે. અત્યારે એક સ્ટાફ નર્સને મહત્તમ 6ને સ્થાને 20 દર્દીની કાળજી લેવી પડે છે. આવી સ્થિતિમાં તમે દર્દીની યોગ્ય કાળજી લઇ શક્તાં નથી.
નર્સો અને એમ્બ્યુલન્સના કર્મચારીઓ ફક્ત પગાર વધારા માટે જ હડતાળ કરી રહ્યાં નથી. એનએચએસના કર્મચારીઓમાં પ્રવર્તી રહેલી હતાશા આરોગ્ય સેવાઓને ગંભીર અસર કરી રહી છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર સર જ્હોન બેલ કહે છે કે એનએચએસમાં ક્રાઇસિસ મેનેજમેન્ટ કામ કરી રહ્યું નથી. ફક્ત ડોક્ટરો અને નર્સોને નિયુક્ત કરવાથી કામ પતી જતું નથી. તેનાથી નાણાનો વ્યય થાય છે.
સરકારના હોમ બેડ ખરીદવા અને હોસ્પિટલ કાર પાર્કિગમાં પોર્ટાકેબિન્સ મૂકવા જેવા પગલાં અધકચરા પૂરવાર થઇ રહ્યાં છે. ઇંગ્લેન્ડમાં 72 લાખ લોકો એનએચએસમાં સારવાર માટે રાહ જોઇ રહ્યાં છે. હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવા કિસ્સામાં પણ એમ્બ્યુલન્સ માટે રાહ જોવાનો સરેરાશ સમય હવે દોઢ કલાક ઉપર થઇ ગયો છે.
એનએચએસમાં બેડની સંખ્યામાં 53 ટકાનો તોતિંગ ઘટાડો
એનએચએસની મુખ્ય કટોકટી તેની ક્ષમતા છે. 1987થી 2019ની વચ્ચે એનએચએસની હોસ્પિટલોમાં બેડની સંખ્યા 53 ટકા ઘટી છે. 1987માં એનએચએસમાં 2,99,400 બેડ હતા જેની સામે 2019માં તે ઘટીને 1,41,000 પર આવી ગયાં હતાં. એનએચએસમાં કર્મચારીઓની પણ તીવ્ર અછત છે. એકલા ઇંગ્લેન્ડની એનએચએસની હોસ્પિટલોમાં 1,33,000 જગ્યા ખાલી પડી છે.
એનએચએસના નાણા એજન્સી સ્ટાફ પાછળ વેડફાઇ રહ્યાં છે
નર્સો સુપર માર્કેટ અને કોલ સેન્ટર જેવી ઓછી તણાવપૂર્ણ નોકરીઓ સ્વીકારી રહી છે. ડોક્ટરોની પેન્શન સ્કીમમાં રહેલી ખામીઓના કારણે તેઓ એનએચએસ છોડીને જઇ રહ્યાં છે. આજે એનએચએસને વિદેશમાં જન્મેલા તથા એજન્સીઓના ડોક્ટરો અને નર્સો પર દારોમદાર રાખવાની નોબત આવી પડી છે. એનએચએસના નાણા કર્મચારીઓની અછતના કારણે મોંઘાદાટ એજન્સી સ્ટાફ પાછળ વેડફાઇ રહ્યાં છે. એજન્સી દ્વારા મોકલાતી એક નર્સને એક શિફ્ટના 2500 અને ડોક્ટરને 5200 પાઉન્ડ ચૂકવવા પડે છે.
જીપીની એપોઇન્ટમેન્ટમાં વિલંબના કારણે એનએચએસ પર બોજો વધી રહ્યો છે
જીપીની એપોઇન્ટમેન્ટમાં થઇ રહેલા વિલંબના કારણે એનએચએસ પર બોજો વધી રહ્યો છે. ઓક્ટોબર 2022માં જીપીની એપોઇન્ટમેન્ટ માટે 20 લાખ લોકો 28 દિવસથી રાહ જોઇ રહ્યાં હતાં. જીપીની એપોઇન્ટમેન્ટ ન મળતાં તબિયત લથડવાના કારણે દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી રહી છે. 14000 જેટલાં દર્દીઓ સાજા થઇ ગયાં છે પરંતુ સોશિયલ કેરના અભાવે તેમને ડિસ્ચાર્જ કરી શકાતાં નથી.
એનએચએસમાં ધરમૂળથી સુધારા નહીં કરાય તો મૃતપાય બની જશેઃ સ્ટાર્મેર
લેબર નેતા સર કીર સ્ટાર્મેરે જણાવ્યું હતું કે, એનએચએસમાં ધરમૂળથી સુધારા નહીં કરાય તો મૃતપાય બની જશે. એનએચએસમાં વેઇટિંગ લિસ્ટ ઘટાડવા માટે પ્રાઇવેટ સેક્ટરે પણ મદદ કરવી જોઇએ. અમે ઇચ્છીએ છીએ કે એનએચએસમાં ધરમૂળથી સુધારા કરવામાં આવે. જો તેમ નહીં કરાય તો આરોગ્ય સેવાઓ પડી ભાંગશે.