લંડનઃ બ્રિટનમાં રહેતા ભારતીય ડોકટર્સ અને નર્સીસ માટે રાહતના સમાચાર આવ્યા છે. હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે NHS વર્કફોર્સના પહેલી ઓક્ટોબર જેમના વિઝા રદ થતાં હોય તેવા તમામ વિદેશી સ્ટાફ માટે વિઝામાં એક વર્ષનો નિઃશુલ્ક વધારો કર્યો છે. આ નિર્ણયનો લાભ નેશનલ હેલ્થ સર્વિસ સાથે સંકળાયેલા ૨,૮૦૦ માઇગ્રન્ટ ડોક્ટર્સ, નર્સ અને પેરામેડિકલ સ્ટાફને મળશે.
યુકેમાં જીવલેણ કોરોના વાઈરસના અસરગ્રસ્તો અને મૃતકોની સંખ્યા વધતી જાય છે ત્યારે આ મહામારી સામે લડવા બ્રિટિશ સરકારે ભારત સહિતના વિદેશી ડોક્ટર અને નર્સીસ તેમજ પેરોમેડિકલ સ્ટાફને રાહત આપતા તેમના વિઝા વધુ એક વર્ષ માટે લંબાવવા નિર્ણય લીધો છે, જેની કોઈ ફી લેવાશે નહિ. હોમ ઓફિસનો અંદાજ છે કે આ નિર્ણયનો લાભ ૨,૮૦૦ માઇગ્રન્ટ ડોક્ટર્સ, નર્સ અને પેરામેડિકલ સ્ટાફ ઉપરાંત તેમના પરિવારોને પણ મળશે.
હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે નિવેદનમાં જણાવ્યું હતું કે,‘સમગ્ર વિશ્વના ડોક્ટર્સ, નર્સીસ અને પેરા મેડિકલ સ્ટાફ કોરોના વાઈરસ સામે NHSની લડતમાં અગ્ર ભૂમિકા ભજવી રહ્યા છે. તેઓ જે કરી રહ્યા છે તેના પ્રત્યે અમે આભારની લાગણી ધરાવીએ છીએ. વિઝા પ્રોસેસથી તેમને ખલેલ પહોંચે તેમ અમે ઈચ્છતા નથી. આથી, મેં તેમના વિઝા વધુ એક વર્ષ માટે આપમેળે કોઈ ફી વિના જ વધી જાય તેમ ગોઠવ્યું છે.’
NHSવિઝા આપમેળે લંબાવાશે અને હોમ ઓફિસે જણાવ્યું છે તેમ સ્ટાફને ઈમિગ્રેશન હેલ્થ સરચાર્જમાંથી પણ મુક્તિ મળશે. ગત સપ્તાહે જ બ્રિટિશ એસોસિએશન ઓફ ફિઝિશિયન ઓફ ઇન્ડિયન ઓરિજિન (BAPIO)એ વડાપ્રધાન બોરિસ જ્હોન્સનને પત્ર લખી હેલ્થ સરચાર્જ તાત્કાલિક અસરથી દૂર કરવાની માગણી કરી હતી. આ સાથે મેડિકલ કોલજ અને નર્સિગ કોલેજના ટ્રેઈનીઝ વિદ્યાર્થીઓને NHSમાં મુદતના ગાળામાં કામના કલાકો પરની મર્યાદા દૂર કરવામાં આવી છે.