લંડનઃ દરિયાપારના ડોક્ટર્સ અને નર્સીસ માટે ચુકવવાપાત્ર થનારા ૧,૦૦૦ પાઉન્ડના નવા ઈમિગ્રેશન સ્કિલ્સ ચાર્જમાંથી NHSને મુક્તિ આપવા બ્રિટિશ મેડિકલ એસોસિયેશન અને રોયલ કોલેજ ઓફ નર્સિંગ દ્વારા માગણી કરવામાં આવી છે. એપ્રિલથી અમલી થનારા આ ચાર્જથી NHSના બજેટ્સ ખોરવાઈ જશે. યુરોપિયન યુનિયન બહારથી યુકેમાં આવનારા કોઈ પણ વર્કર માટે ૧,૦૦૦ પાઉન્ડનો વાર્ષિક ચાર્જ ચુકવવાનો થશે. નર્સીસ યુકેના શોર્ટેજ ઓક્યુપેશન લિસ્ટમાં સામેલ છે.
સરકાર દેશમાં જ કૌશલ્ય નિર્માણ માટે કટિબદ્ધ છે તેને ધ્યાનમાં રાખી આ ચાર્જ લદાયો છે. આ ચાર્જથી પ્રાપ્ત ભંડોળનું યુકે હેલ્થ સિસ્ટમમાં પુનઃરોકાણ કરાશે તેમ સરકારનું કહેવું છે પરંતુ, તેની કોઈ ગેરન્ટી નથી અને સ્ટાફની વર્તમાન સમસ્યા વધુ વણસી જશે તેમ આ બે અગ્રણી હેલ્થ યુનિયનોનું કહેવું છે. આ મુદ્દે બ્રિટિશ મેડિકલ એસોસિયેશન અને રોયલ કોલેજ ઓફ નર્સિંગ દ્વારા હોમ સેક્રેટરી અમ્બર રડને પત્ર પણ લખવામાં આવ્યો છે.
દરિયાપારની ભરતીનું આયોજન કરતી હોસ્પિટલોએ ટિયર-ટુ વિઝા પરના વર્કર માટે ૧,૦૦૦ પાઉન્ડનો વાર્ષિક ચાર્જ ચુકવવો પડશે, જેનાથી હોસ્પિટલના બિલમાં ભારે ઉમેરો થશે. જો હોસ્પિટલ પાંચ વર્ષ માટે વિદેશી ડોક્ટરને ટિયર-ટુ વિઝા પર નોકરીએ રાખવા માગતી હશે તો હોસ્પિટલ ટ્રસ્ટે સ્પોન્સરશિપ સર્ટિફિકેટ માટે યુકે વિઝા એન્ડ ઈમિગ્રેશનને અરજી કરતી વખતે ૫,૦૦૦ પાઉન્ડ ચુકવવા પડશે. યુકે અને ઈયુ નાગરિકોને નોકરીમાં પ્રાધાન્ય આપવાની જોગવાઈઓ અસ્તિત્વમાં છે ત્યારે ટિયર-ટુ વિઝા પર ભરતી કરવા માટે એમ્પ્લોયર્સને દંડિત કરવા અન્યાયી ગણાશે તેમ આ સંસ્થાઓએ જણાવ્યું હતું.