PHE રિપોર્ટઃ BAME કોમ્યુનિટીને કોવિડ-૧૯નું ભારે જોખમ

રુપાંજના દત્તા Wednesday 10th June 2020 07:48 EDT
 
 

લંડનઃ કોરોના વાઈરસ કોવિડ-૧૯ની અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી (BAME) લોકો પર શા માટે વિષમ અસરો થાય છે તેની સમીક્ષા કરતો પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (PHE)નો રિપોર્ટ જાહેર કરાયો છે. જોકે, તેમાં રંગભેદી અને આરોગ્ય અસમાનતાઓ જ કોવિડ-૧૯નું જોખમ વ્યાપક બનાવે છે તે જાણીતી હકીકતોને જ સમર્થન અપાયું છે. શ્વેત વંશીય જૂથોની સરખામણીએ ગરીબ પરિવારો અને ઘેરી ત્વચા ધરાવતાં તેમજ વંચિત વિસ્તારોમાં રહેતાં લોકોને અપ્રમાણસર અસર થઈ છે અને તેમાં પણ સૌથી વધુ અસર બાંગલાદેશી લોકોને પહોંચી છે. આ વિષમતા કેવી રીતે ઘટાડી શકાય અને જોખમોને હળવાં કરી શકાય તેના વિશે રિપોર્ટમાં કશું જણાવાયું નથી.

રિપોર્ટના તારણોમાં ગત વર્ષોમાં મૃત્યુદરોમાં પ્રવર્તમાન અસમાનતાઓનો પુનરુચ્ચાર કરાયો છે. BAME ગ્રૂપ્સ સિવાય શ્વેત વંશીય જૂથોમાં અગાઉ મૃત્યુદર ઊંચો હતો. વિશ્લેષણમાં વય, જાતિ, વંચિતતા, પ્રદેશ અને વંશીયતા ધ્યાનમાં લેવાઈ છે પરંતુ, કો-મોર્બિડિટીઝ (ડાયાબિટીસ, હાયપરટેન્શન, સ્થૂળતા જેવી લાંબી સંયુક્ત બીમારીઓનાં પરિબળો)નું અસ્તિત્વ ધ્યાને લેવાયું નથી. આ પરિબળો નિશ્ચિતપણે કોવિડ-૧૯થી મોતના જોખમ સાથે સંકળાયેલા છે અને કેટલાક તફાવતો સમજાવી શકે છે. ડોક્ટર્સ, સોશિયલ કેર, નર્સીસ અને આનુષાંગિક સહાયકો, જીવનનિર્વાહ માટે પેસેન્જર્સને ટેક્સી, મિનિકેબ વાહનોમાં લઈ જતા ડ્રાઈવર્સ અને શોફર્સ, સિક્યુરિટી ગાર્ડ્સ અને સંબંધિત ક્ષેત્રોમાં કામ કરતા લોકોને વિષમ અસરો થઈ છે. કોવિડ-૧૯ના નિદાનના પ્રતિ ૧૦૦,૦૦૦ની વસ્તીમાં સૌથી વધુ દર અશ્વેત વંશીય જૂથો (પુરુષ ૬૪૯ અને સ્ત્રી ૪૮૬)ના છે જ્યારે સૌથી ઓછાં દર વ્હાઈટ વંશીય જૂથો (પુરુષ ૨૨૪ અને સ્ત્રી ૨૨૦)ના છે. કોવિડ-૧૯ના કન્ફર્મ કેસીસમાં વ્હાઈટ બ્રિટિશ વંશીય લોકોની સરખામણીએ બાંગલાદેશ વંશીયતાના લોકો માટે મોતની શક્યતા આશરે બમણી હતી. બીજી તરફ, વ્હાઈટ બ્રિટિશ લોકોની સરખામણીએ ચાઈનીઝ, ભારતીય, પાકિસ્તાની, અન્ય એશિયન, કેરેબિયન અને અન્ય અશ્વેત વંશીયતાના લોકો માટે મૃત્યુના જોખમની સંભાવના ૧૦ અને ૫૦ ટકા વચ્ચે જેટલી ઊંચી હતી.

સંસ્થાઓ અને રાજકારણીઓ દ્વારા ટીકા

ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સાથેની વાતચીતમાં BMA કાઉન્સિલના અધ્યક્ષ ડો. ચાંદ નાગપોલે કહ્યું હતું કે,‘ BAME હેલ્થકેર વર્કર્સમાં અપ્રમાણસર મૃત્યુ અને ગંભીર બીમારી શાથી થાય છે તે સમજવા BMA દ્વારા એપ્રિલમાં રીવ્યૂની માગણી કરી હતી, જેથી તેમના રક્ષણ માટે યોગ્ય પગલાં લઈ શકાય. બે મહિના પછી આ રિપોર્ટ એક તક ચૂકી ગયો છે. આંકડાકીય વિશ્લેષણ મહત્ત્વનું હોવાં છતાં, BAME કોમ્યુનિટીઝને થતું નુકસાન અટકાવવાના પગલાં લેવાં નજીક પહોંચી શકાયું નથી. આ ઉપરાંત, કોવિડ-૧૯થી મોતનો ભેટનારા ૯૦ ટકા ડોક્ટર્સ આ કોમ્યુનીટીઝના છે ત્યારે BAME હેલ્થકેર વર્કર્સના અતિ ઊંચા પ્રમાણનો ઉલ્લેખ કરવામાં પણ રિપોર્ટ નિષ્ફળ છે. નોકરીની ભૂમિકાઓ, વાઈરસ સામે રહેવા તેમજ PPEની પ્રાપ્યતા સહિત જોખમના પરિબળો બની શકે તે જાણવાનું જરુરી હતું. BMA અને વિશાળ કોમ્યુનિટીને જાણીતી હકીકતોના પુનરાવર્તન નહિ પરંતુ, સ્પષ્ટ એક્શન પ્લાનની આશા હતી, જે થયું નથી.’

BAPIOના ડો. રમેશ મહેતાએ ગુજરાત સમાચાર અને એશિયન વોઈસને જણાવ્યું હતું કે,‘સરકારે રીવ્યૂનો આદેશ કર્યો તેનો મને આનંદ થયો પરંતુ, કમનસીબે પરિણામ મદદરુપ બનતું નથી. એક સંસ્થા તરીકે અમે બે સર્વે કર્યા હતા. પ્રથમ સર્વેમાં અન્ય લાંબી બીમારીઓને ગણવા સિવાય BAMEમાં વંશીયતા ખુદ કોવિડ-૧૯ ચેપ લાગવામાં પરિબળ હતું. PHE રિપોર્ટ કશું નવું કહેતો નથી અને સરકારને કેવી રીતે મદદરુપ થશે તે ખબર નથી. રોગચાળાનું બીજું મોજું આવશે જ અને આશા રાખીએ કે BAME વસ્તીને નોંધપાત્ર રક્ષણ મળી રહેશે. અમે સરકાર સમક્ષ આ મુદ્દો નવેસરથી ઉઠાવીશું. અમે સંશોધન દ્વારા ઉકેલ શોધવાનો પ્રયાસ કરીશું કે શા માટે BAME વસ્તીમાં અને ખાસ કરીને હેલ્થકેર વર્કર્સમાં મૃત્યુદર ઊંચો છે.’

લેબર સાંસદ અને શેડો વિમેન એન્ડ ઈક્વલિટીઝ સેક્રેટરી માર્શા ડી કોરડોવાએ કહ્યું હતું કે ‘આ રિપોર્ટ આપણે જે જાણીએ છીએ તે જ કહે છે કે વંશીય અને સ્વાસ્થ્ય અસમાનતા કોવિડ-૧૯ના જોખમોને વધારે છે. સૌથી ગરીબ પરિવારો અને રંગીન ત્વચાના લોકોને તેની વિષમ અસરો થઈ છે. આ અસમાનતા કેવી રીતે ઘટાડી શકાય તે બાબતે રિપોર્ટ ચૂપ છે. માહિતી એ આરંભ છે પરંતુ, હવે સમય કામગીરીનો છે.’

લિબરલ ડેમોક્રેટ હેલ્થ, વેલબીઈંગ એન્ડ સોશિયલ કેર પ્રવક્તા અને સાંસદ મુનિરા વિલ્સને જણાવ્યું હતું કે,‘ અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી લોકોને કોરોના વાઈરસ કટોકટીની વિષમ અસર થતી હોવાનું દર્શાવતા રિપોર્ટના તારણો ભારે ચિંતાજનક છે અને જે જાણીએ છીએ તેને સમર્થન આપે છે. મહામારીના ઘણા પરિણામો આપણી સોસાયટીમાં પ્રવર્તમાન અસમાનતાઓથી વધેલા છે. આમ છતાં, આ રિપોર્ટ તે સમસ્સ્યાના ઉકેલ વિશું કશું જણાવતો નથી. BAME કોમ્યુનિટીના લોકો સામાજિક-આર્થિક અને આરોગ્યની અસમાનતાઓના કારણે કોવિડ-૧૯ના સંક્રમણનું ભારે જોખમ ધરાવે છે. રિપોર્ટ આ મુદ્દાઓના વિશ્લેષણ અને યોગ્ય ભલામણો કરવામાં નિષ્ફળ રહ્યો છે.’

ડેટા માત્ર હોસ્પિટલોમાંથી મેળવાયો

આ ડેટાનું વિશ્લેષણ કરાયું ત્યારે બહુમતી ટેસ્ટિંગ તબીબી જરુરિયાતો માટે હોસ્પિટલમાં રહેનારાને જ ઓફર કરાતું હતું. કન્ફર્મ કરાયેલા કેસીસ તમામ ચેપગ્રસ્તો નહિ પરંતુ, ગંભીર બીમારી ધરાવતા લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. આ બાબત મહત્ત્વની છૈ કારણકે નિદાન દરમાં અસમાનતા ચેપ લાગવાના જોખમ, તબીબી જરુરિયાત માટે હોસ્પિટલમાં જવું તેમજ પરીક્ષણ કરાવાની શક્યતામાં તફાવતો દર્શાવી શકે છે. કોવિડ-૧૯ના કેસીસ ઘટી રહ્યા છે ત્યારે જેઓ સૌથી વધુ જોખમ ધરાવે છે તેમના ઈન્ફેક્શન્સ પર નજર રાખવાનું મહત્ત્વ વધે છે. આ અસમાનતાઓનું નિવારણ ન કરાય ત્યાં સુધી કોવિડ-૧૯ના ફેલાવાને અંકુશમાં રાખવો મુશ્કેલ છે.

ઓક્યુપેશન્સનો વિચાર કરાયો જ નથી?

આ રિપોર્ટનો હેતુ BAME કોમ્યુનિટીઝમાં અપ્રમાણસર મૃત્યુમાં તપાસનો અને જોખમના મૂલ્યાંકનનો હતો કારણકે ઈંગ્લેન્ડમાં ૧૨માંથી ૧૧ જીપીનું કોવિડ-૧૯થી મોત થયું તે આ કોમ્યુનિટીઝના હતા. વિશ્લેષકો ઓક્યુપેશન્સ-નોકરીધંધાની અસરોને તેમાં સમાવી શક્યા નથી. આ મહત્ત્વની ખામી છે કારણકે કોવિડ-૧૯ સામે ખુલ્લા રહેવામાં જોખમ સાથે નોકરીધંધા પણ સંકળાયેલા છે. કેટલાક ચાવીરુપ ઓક્યુપેશન્સમાં BAME સમૂહોના વર્કર્સનું પ્રમાણ ઊંચુ છે. વિશ્લેષકો કો-મોર્બિડિટીઝ કે સ્થૂળતાની અસરો પણ સમાવી શક્યા નથી. આ મોતના જોખમ સાથે સંકળાયેલા મહત્ત્વના પરિબળો છે જે કેટલાક BAME જૂથોમાં સામાન્યપણે જોવાં મળે છે. અન્ય પૂરાવા દર્શાવે છે કે જ્યાં આનો સમાવેશ કરાયો છે ત્યારે હોસ્પિટલાઈઝ્ડ પેશન્ટ્સમાં મોતના જોખમનો તફાવત ઘટાડી શકાયો છે.

NHS ઈંગ્લેન્ડ દ્વારા BAME વર્કર્સના રિસ્ક એસેસમેન્ટનું સુધારેલું માર્ગદર્શન જારી કરાયું છે પરંતુ, ચોક્કસ આંક કેવી રીતે કાઢવો તે સમજાવાયું નથી. માન્ચેસ્ટરના GPઝ દ્વારા આગવી સ્કોરિંગ સિસ્ટમ વિકસાવાઈ હતી અને પ્રાઈમરી કેર નિષ્ણાતોએ પેશન્ટ્સની સાથે રહેવાની ભૂમિકાથી BAME સ્ટાફને દૂર રાખવાના સૂચનને સમર્થન આપ્યું હતું. વિટામીન ડીની ઉણપ, સ્થૂળતા, હૃદયરોગો અને ડાયાબિટીસ સહિત લાંબી આરોગ્ય સમસ્યા ધરાવતી BAME કોમ્યુનિટીને કોવિડ-૧૯ની વધુ શક્યતા રહેવાનું કહેવાયું છે.

સ્થૂળતા અને ઘેરી ત્વચાના લોકોને વધુ જોખમ

સરે અને સાઉધમ્પ્ટન યુનિવર્સિટીઓ દ્વારા અભ્યાસમાં જે લોકો વધુપડતા વજન અથવા સ્થૂળતા ધરાવતા હોય તેમ જ ત્વચાનો રંગ ઘેરો હોય તેમને કોવિડ-૧૯નો ચેપ લાગવાનું જોખમ વધુ હોવાનું જણાવાયું છે. આ તારણો અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી સમૂહોની કોમ્યુનિટી (BAME)માં કોરોના વાઈરસના અપ્રમાણસરના ઈન્ફેક્શન્સને સમજાવવામાં મદદરુપ બની શકે છે. કોમ્યુનિટીમાં કોરોના વાઈરસની અસર નક્કી કરવા માટે વિટામીન ડીનું પ્રમાણ પણ મહત્ત્વપૂર્ણ બની રહેશે.

ક્રોયડન યુનિવર્સિટી હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ ડર્મેટોલોજિસ્ટ ડો. શ્રીધર કૃષ્ણા કેમ્બ્રિજ યુનિવર્સિટીની પબ્લિક હેલ્થની MPhil ડીગ્રી ધરાવે છે. તેમણે શારીરિક નિષ્ક્રિયતાની હાર્ટ એટેક્સના જોખમ પરની અસરો વિશે સંશોધન કર્યું છે. ગુજરાતીઓમાં હાઈ બ્લડ પ્રેશર અને સ્થૂળતા વચ્ચે સંબંધ દર્શાવતા પેપર્સ પણ પ્રસિદ્ધ કર્યા છે. ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સાથેની વાતચીતમાં ડો. કૃષ્ણાએ જણાવ્યું હતું કે ‘BAME કોમ્યુનિટીઝ દ્વારા વિષમ આરોગ્ય પરિણામોને દર્શાવતું આ મહત્ત્વપૂર્ણ કાર્ય છે પરંતુ, તે તમામ બાબતો જણાવતું નથી. હજુ સુધી ખરાબ ટેસ્ટિંગ કેપિસિટીના કારણે કોવિડ-૧૯ના ઘણા કેસીસ સત્તાવાર ડેટામાં રેકોર્ડ થયા નથી. આમ જે તારણો લેવાયા છે તે સંપૂર્ણ ડેટાસેટનો અભાવ ધરાવે છે. અન્ય બીમારીઓ (દા.ત. ડાયાબિટીસ)ની મૃત્યુ પર જોખમની અસરો પર પણ સારી રીતે જાણી શકી નથી. આ ઉપરાંત, અસલામત સ્થળોએ રહેતી વસ્તી (દા.ત. ભીડવાળી જ્ગ્યાઓમાં રહેતા માઈગ્રન્ટ્સ વર્કર્સ)ને પણ આ રિપોર્ટમાં પૂરતી રીતે આવરી લેવાઈ નથી.’

ડો. કૃષ્ણા કહે છે કે,‘યુકેમાં વંશીય લઘુમતી ગ્રૂપ્સના લોકો નીચલો સામાજિક-આર્થિક દરજ્જો ધરાવે છે જે, સ્ત્રીઓ અને બાળકોમાં સ્થૂળતાના મોટા જોખમ સાથે સંકળાયેલો છે. વંશીય લઘુમતીના લોકો મોટા ભાગે મેડિકલ, રીટેઈલ કે ટ્રાન્સપોર્ટ ક્ષેત્રોમાં ફ્રન્ટલાઈન કામગીરીમાં રહે છે. જો તમને PPE ન અપાય તો તેઓ ઉહાપોહ કરે તેવી ઓછી શક્યતા રહે છે. આ સંસ્કૃતિ છે કારણકે આપણે ઉચ્ચ સત્તાનો અનાદર કરતા નથી. એક વંશીય સમૂહ તરીકે જ્યાં અવાજ ઉઠાવવો જોઈએ ત્યાં પણ આપણે તેમ કરતા નથી.

GMB નેશનલ સેક્રેટરી રેહાના આઝમે જણાવ્યું હતું કે,‘જે હકીકતો જાહેર છે તેના માટે રિપોર્ટ તૈયાર કરાવવામાં મેટ હેનકોકે સમય બગાડ્યો છે. અશ્વેત અને વંશીય લઘુમતીઓની જિંદગીનું મહત્ત્વ જાણે છે જ નહિ. આ રિપોર્ટમાં જિંદગીઓ કેવી રીતે બચાવી શકાય તેના વિશે કશું જણાવાયું જ નથી. આ મહામારીમાં BAME વર્કર્સે અપ્રમાણસર બલિદાન આપ્યું છે. લોકો મરી રહ્યા છે અને મિનિસ્ટર્સ જિંદગીઓ બચાવવામાં ધીમા રહ્યા છે. તેઓ કહે છે કે વાઈરસ ભેદભાવ રાખતો નથી પરંતુ, આ વાઈરસ સામે પ્રતિભાવ અને તેણે શિકાર બનાવેલી જિંદગીઓમાં તો મોટો ભેદભાવ દેખાયો છે. આ જીવલેણ રોગથી વિષમપણે અસરગ્રસ્ત લોકોનું જવન બચાવવા સરકાર કશું કરતી હોવાનો વિશ્વાસ જાગે તેવી કોઈ યોજના કાર્યરત નથી. આથી જ, GMB સરકારના પ્રતિભાવમાં સ્વતંત્ર જાહેર ઈન્ક્વાયરીની માગણીમાં સામેલ થયેલ છે.

સિલ્વર સ્ટાર ડાયાબિટીસની વધુ સમીક્ષાની માગ

યુકે અને વિદેશમાં ડાયાબિટીસ અંગે જાગૃતિને સમર્પિત નેશનલ ચેરિટી સિલ્વર સ્ટાર ડાયાબિટીસ દ્વારા યુકેમાં BAME કોમ્યુનિટીઝ પર કોરોના વાઈરસની વિષમ અસરો બાબતે સમીક્ષા કરવા PHEને જણાવવાના વડા પ્રધાન બોરિસ જ્હોન્સનના નિર્ણયને આવકાર્યો હતો અને સમીક્ષાના પરિણામોની પણ નોંધ લીધી છે. સિલ્વર સ્ટાર ડાયાબિટીસે વધુ સમીક્ષા માટે BAME કોમ્યુનિટીના સભ્યોમાંથી કોરોના વાઈરસનો અનુભવ મેળવનારાઓ પાસેથી રજૂઆતો મંગાવી છે. ચેરિટીને મળનારી રજૂઆતોનું સંકલન કરનારી કમિટીના અધ્યક્ષ બનવા હેરો CCG ના ક્લિનિકલ ડાયરેક્ટર અને હેરોના કેવિડ-૧૯ કેન્દ્રમાં કાર્યરત ડો. રાધિકા બાલુને જણાવ્યું છે. કમિટીના તારણોનું એનાલિસીસ ઈક્વલિટીઝ મિનિસ્ટર લિઝ ટ્રસને સુપરત કરાશે. સમિતિના અન્ય સભ્યોમાં બર્મિંગહામના નૌરા અલી અને નોર્થ લંડનના રવિ પ્રેમનાથનનો સમાવેશ થાય છે.

ડો. રાધિકા બાલુએ જણાવ્યું હતું કે ‘ચેરિટીની આ મહત્ત્વની પહેલની આગેવાની કરવાનો મને આનંદ થશે. NHS રીવ્યુ મહત્ત્વનો છે પરંતુ, હજુ વધુ કામ કરવાની જરુર છે.’ સિલ્વર સ્ટાર ડાયાબિટીસની સ્થાપના ૧૦ વર્ષ અગાઉ પૂર્વ લેબર સાંસદ કિથ વાઝ દ્વારા કરવામાં આવી હતી અને તેના પેટ્રન્સમાં અમિતાભ બચ્ચન અને રેવ. જેસી જેક્સનનો સમાવેશ થાય છે. ચેરિટીને રજૂઆતો [email protected] પર ઈમેઈલ કરી શકાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter