લંડનઃ યુકે અને ભારત વચ્ચે ફાઈનાન્સિયલ અને પ્રોફેશનલ સર્વિસ ભાગીદારીને મજબૂત બનાવવા બુધવાર 4 સપ્ટેમ્બરના રોજ સિટી ઓફ લંડનના ગિલ્ડ હોલ ખાતે સિટી ઓફ લંડન કોર્પોરેશન અને નેશનલ ઈન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા (નીતિ આયોગ) વચ્ચે યુકે ઈન્ડિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફાઈનાન્સિંગ બ્રીજ (UKIIFB)નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. સિટી ઓફ લંડન કોર્પોરેશનના પોલિસી ચેરમેન ક્રિસ હેવાર્ડે આ પ્રસંગે જણાવ્યું હતું કે ફોરેન ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)નો અંત આવ્યો નથી અને તે યુકે-ઈન્ડિયા પાર્ટનરશિપનો હિસ્સો છે.
બંને દેશ વચ્ચે FTA સંવાદ અને વાટાઘાટો ટોરી સરકારના ગાળામાં શરૂ થઈ હતી. દિવાળી દરમિયાન પૂર્ણ કરવાની સમયમર્યાદા પછી ભારત અને યુકેમાં સામાન્ય ચૂંટણીના ઓઠા હેઠળ 15 રાઉન્ડની વાટાઘાટો પછી તે અટકી ગઈ હતી. બંને દેશો વચ્ચે કેટલાક મુદ્દાઓનું નિરાકરણ આવ્યું નથી. લેબર સરકારે તેના મેનિફેસ્ટોમાં યુકે-ઈન્ડિયા FTAની ખાતરી આપી છે પરંતુ, નવા મુસદ્દા તરફ હિલચાલ નજરે પડતી નથી.
ચોથી સપ્ટેમ્બરની સવારે FCDO ઈન્ડિયા અને ઈન્ડિયન ઓશન ડાયરેક્ટોરેટના બેન મેલોર,યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર વિક્રમ કે દોરાઈસ્વામી, નીતિ આયોગના સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમ અને સિટી ઓફ લંડન કોર્પોરેશનના પોલિસી ચેરમેન ક્રિસ હેવાર્ડ વચ્ચેની પેનલ ચર્ચામાં ભાર મૂકાયો હતો કે FTA જ તમામ નથી તે તમામનો અંત નથી. વાસ્તવમાં તે યુકે-ઈન્ડિયા વચ્ચે અનેક સંવાદ-વાટાઘાટો, ઈનિશિયેટિવ્ઝ અને પ્રોજેક્ટ્સ છે. ઘણાં ઈનિશિયેટિવ્ઝમાં UKIIFB પણ એક છે.
UKIIFB દ્વારા સ્ટીઅરીંગ કમિટીની ઘોષણા કરાઈ હતી જેમાં, ટ્રેઝરી વિભાગના પ્રતિનિધિઓ એઓન, અરુપ, મોટ મેક્ડોનાલ્ડ, ક્લીફર્ડ ચાન્સ, સેક્વિઆ ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંપની, ઈકોનોમિક એફેર્સ ડિપાર્ટમેન્ટ, લાર્સન એન્ડ ટુબ્રો, સોરિન ઈન્વેસ્ટમેન્ટ ફંડ, ઈકોનોમિક લોઝ પ્રેક્ટિસ અને AECOM ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડનો સમાવેશ થયો હતો.
સિટી ઓફ લંડન કોર્પોરેશનના પોલિસી ચેરમેન ક્રિસ હેવાર્ડે જણાવ્યું હતું કે,‘આપણા બે દેશ વચ્ચે સઘન વેપારસંબંધોમાં નવા પ્રકરણને આવકારતા યુકે ઈન્ડિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફાઈનાન્સિંગ બ્રીજ પર હસ્તાક્ષર કરતા મને આનંદ થયો છે. પ્રોફેશનલ સર્વિસીસ, ફાઈનાન્સ અને મોટા પ્રોજેક્ટસ પાર પાડવાની યુકેની તજજ્ઞતા તેને ભારતની વધતી જતી ઈન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરિયાતોને પહોંચી વળવામાં કુદરતી સાથીદાર બનાવે છે અને ગ્લોબલ સિટી તરીકે સિટી ઓફ લંડનની મહત્તા દર્શાવે છે.’
નીતિ આયોગના સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે,‘ભારતના ફાઈનાન્સ મિનિસ્ટર અને યુકેના ચાન્સેલર દ્વારા સંયુક્તપણે જાહેર કરાયેલા યુકે ઈન્ડિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફાઈનાન્સિંગ બ્રીજ (UKIIFB) નીતિ આયોગ અને સિટી ઓફ લંડન દ્વારા સંયુક્ત સહિયારા પ્રયાસનું પ્રતિનિધિત્વ કરે છે. આ પહેલ ભારતમાં મુખ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ તકોને ખુલ્લી મૂકવા બંને દેશની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આનાથી ભારતની આર્થિક ચડતીને ગતિ મળશે એટલું જ નહિ, ગ્લોબલ તખ્તા પર તેનું સ્થાન મજબૂત બનાવશે.’
યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર વિક્રમ કે દોરાઈસ્વામીએ જણાવ્યું હતું કે, ‘હાઈ કમિશનને આ ફાઈનાન્સિંગ બ્રીજની સ્થાપનાથી ખુશી થઈ છે. ગત સપ્ટેમ્બર 2023માં ભારત – યુકે ઈકોનોમિક એન્ડ ફાઈનાન્સિયલ ડાયાલોગમાં હેતુ તરીકે જાહેર કરાયેલું આ માળખું સહિયારા પ્રયાસોનું પરિણામ છે. UKIIFB આપણા દ્વિપક્ષી આર્થિક સંબંધોની પૂરકતાનું નોંધપાત્ર પ્રમાણ છે. ભારતના નીતિ આયોગ અને સિટી ઓફ લંડન UKIIFBનો અમલ કરશે અને ખાનગી મૂડીપ્રવાહોને લાભ થાય તે રીતે સંયુક્તપણે વિશાળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ દરખાસ્તોની ડિઝાઈન કરશે. ભારત અને યુકે એકબીજાના કાયમી અને ટકાઉ વિકાસમાં યોગદાન આપી તેમના સંબંધોને ફેલાવી ગાઢ બનાવશે.
FCDO ઈન્ડિયા અને ઈન્ડિયન ઓશન ડાયરેક્ટોરેટના બેન મેલોરે ઉમેર્યું હતું કે FTA તો પ્રાથમિકતા છે પરંતુ, આપણે તેના વિશે વાસ્તવવાદી બનવું રહ્યું કારણકે તે ક્ષમતાઓની ફ્લોર છે, સીલિંગ નહિ.