લંડનઃ બેન્ક ઓફ ઇંગ્લેન્ડે ચેતવણી જારી કરી છે કે થોડા જ મહિનાઓમાં 460 મિલિયન બેન્ક નોટ વ્યવહારમાંથી બહાર થઇ જશે. 30 સપ્ટેમ્બરથી જૂના પેપરની 20 અને 50 પાઉન્ડની બેન્ક નોટ ચલણમાં રહેશે નહીં. તેનો અર્થ એ થયો કે જનતા પાસે આ બેન્ક નોટ વટાવી લેવા માટે 100 દિવસ છે. બેન્ક ઓફ ઇંગ્લેન્ડ 5, 10, 20 અને 50 એમ તમામ ચલણી નોટો બદલી નાખવાનું લક્ષ્યાંક ધરાવે છે.
અંદાજ મુજબ 20 પાઉન્ડની 300 મિલિયનથી વધુ અને 50 પાઉન્ડની 160 મિલિયન કાગળની ચલણી નોટો ચલણમાં છે ત્યારે બ્રિટિશ નાગરિકોને તેમની પીગી બેન્ક અથવા તો સેવિંગ્સ ટીનમાં પડી રહેલી 20 અને 50 પાઉન્ડની નોટ ખર્ચી નાખવા અથવા તો બદલાવી લેવા 100 દિવસનો સમય અપાયો છે. આ જૂની પેપર નોટનું સ્થાન નવી પ્લાસ્ટિકની નોટ લેશે. બેન્ક ઓફ ઇંગ્લેન્ડના એક અંદાજ અનુસાર હજુ પણ લોકો પાસે 20 પાઉન્ડની 6 બિલિયન પાઉન્ડના મૂલ્યની નોટો છે. તે ઉપરાંત હાલ 50 પાઉન્ડની 8 બિલિયન પાઉન્ડના મૂલ્યની નોટો બજારમાં ફરી રહી છે. બેન્ક 50 પાઉન્ડની પહેલી પ્લાસ્ટિક નોટ જારી કરી તેને એક વર્ષ વીતી ગયું છે.
બેન્ક ઓફ ઇંગ્લેન્ડના જણાવ્યા અનુસાર હવે 20 અને 50 પાઉન્ડની પેપર નોટ 30 સપ્ટેમ્બરથી ચલણમાં રહશે નહીં. જેમની પાસે પણ આ ચલણી નોટો હોય તે જમા કરાવી દેવા અથવા તો ખર્ચ કરી દેવા બેન્ક ઓફ ઇંગ્લેન્ડ લોકોને પ્રોત્સાહિત કરી રહી છે.
બેન્ક ઓફ ઇંગ્લેન્ડને લંડન સ્થિત થ્રેડનીડલ સ્ટ્રીટ ખાતે જૂની ચલણી નોટો ટપાલ દ્વારા મોકલી આપવાથી તેટલી રકમ મોકલનારના બેન્ક ખાતામાં જમા કરાવી દેવાશે અથવા તો તેના બદલામાં ચેક ઇશ્યૂ કરાશે.