લંડનઃ કોઈની પાસે વિશ્વની સૌથી મોટી યુએસની સમગ્ર ઈકોનોમીની કુલ નેટવર્થ કરતા પણ વધુ ઈન્કમ ટેક્સની માગણી કરવામાં આવે તો કાચાપોચાનું હૃદય જ બંધ પડી જાય. યુકેના રેવન્યુ અને કસ્ટમ વિભાગ દ્વારા રેલવે કર્મચારી જાઈલ્સ હેમબ્રોને ૧૪ ટ્રિલિયન (£14,301,369,864,489.03) પાઉન્ડના ઈન્કમ ટેક્સની માગણી કરતી નોટિસ મોકલાઈ ત્યારે તેની આંખમાં રીતસર આંસુ આવી ગયા હતા. જોકે, આ રકમ ખોટી હોવાની કબૂલાત પણ HMRCએ કરી છે.
બ્રિસ્ટોલના ટેમ્પલ મીડ્ઝ સ્ટેશન નજીક સિગ્નલ ટેસ્ટર તરીકે કામ કરતા જાઈલ્સ હેમબ્રોએ તાજેતરમાં જ તેનો ટેક્સ કોડ બદલાવ્યો હતો, પરંતુ તેનાથી ૧૬ આંકડાની જંગી રકમનું બિલ મળે તેના તેઓ તૈયાર ન હતા. HMRCના પત્રમાં જણાવાયું હતું કે અમારા હિસાબે તમારે ટેક્સની ૧૪,૩૦૧,૩૬૯,૮૬૪,૪૮૯.૦૩ પાઉન્ડની રકમ ભરવાની થશે. તમારું ટેક્સ રિટર્ન જોયાં પછી રકમ સાચી છે કે નહિ તે જણાવી શકીશું.’
બોલવામાં ફાંફા પડી જાય તેવી રકમ શબ્દોમાં લખવાની થાય તો ‘ફોર્ટીન ટ્રિલિયન, થ્રી હન્ડ્રેડ એન્ડ વન બિલિયન, થ્રી હન્ડ્રેડ એન્ડ સિક્સ્ટી નાઈન મિલિયન, એઈટ હન્ડ્રેડ એન્ડ સિક્સ્ટી ફોર થાઉઝન્ડ, ફોર હન્ડ્રેડ એન્ડ એઈટી નાઈન પાઉન્ડ્સ એન્ડ થ્રી પેન્સ’ લખવું પડે. જો જાઈલ્સ આ રકમ ‘ચુકવી શકે’ તો સરકાર તેમાંથી ૪૬ બિલિયન આઈફોન્સ, ૯૩ મિલિયન લેમ્બોર્જીની સ્પોર્ટ્સ કાર ખરીદી શકે અથવા તો હિન્કલી પોઈન્ટ સી વ્યુક્લીઅર પાવર સ્ટેશન માટે ૭૭૭ વખત ચુકવણી કરી શકે.
હેમબ્રોને વિશ્વના સૌથી મોટા યુએસ અર્થતંત્રના કુલ મૂલ્યથી પણ ટ્રિલિયન પાઉન્ડ વધુ એવું આ ટેક્સબિલ જોઈને ભારે આઘાત લાગ્યો છે. હેમબ્રો કહે છે કે જો તેઓ દર મહિને સંપૂર્ણ પગાર સરકારને ચુકવે તો પણ આટલો ટેક્સ ભરતા તેમને ૩૬૯ મિલિયન વર્ષ લાગી જશે.