લંડનઃ થેમ્સ નદીના કિનારે આવેલી યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટ ધ પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટર તેના તૂટી રહેલાં સ્ટોનવર્ક, છતોનાં ગળતર તેમજ આગ સામે અપૂરતા રક્ષણના કારણે સઘન રિનોવેશનની આવશ્યકતા ધરાવે છે. રિસ્ટોરેશન કમિટીની ભલામણો અનુસાર નવીનીકરણ અને સમારકામ અંદાજિત ચાર બિલિયન પાઉન્ડના ખર્ચે ૨૦૨૨થી શરૂ કરાશે અને ૨૦૨૮માં પૂર્ણ થવાની ધારણા છે. આવશ્યક સમારકામ હાથ ધરી શકાય તે માટે લોર્ડ્સ અને સાંસદોએ આ પેલેસમાં આવેલા પાર્લામેન્ટના બે ગૃહ-હાઉસ ઓફ કોમન્સ અને હાઉસ ઓફ લોર્ડ્સ ઓછામાં ઓછાં છ વર્ષ સુધી ખાલી કરવા પડશે. પાર્લામેન્ટના ૬૫૦ સાંસદ નજીકમાં વ્હાઈટ હોલના ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થના બિલ્ડિંગમાં બેસવા જશે, જ્યારે હાઉસ ઓફ લોર્ડ્સના ઉમરાવ પાર્લામેન્ટ સ્ક્વેરની બીજી તરફ આવેલા ક્વીન એલિઝાબેથ દ્વિતીય કોન્ફરન્સ સેન્ટરમાં કાર્યરત કરાશે. જોકે, કોમન્સની રિસ્ટોરેશન કમિટીએ ૧૪ મહિનાની ચર્ચાવિચારણા પછી કરેલી ભલામણો પર સંસદીય મતદાનથી બહાલી મેળવવી જરૂરી છે. ભલામણો અંગે ક્રિસમસ અગાઉ સાંસદો અને લોર્ડ્સ દ્વારા મતદાન કરાવાય તેવી શક્યતા છે.
દ્વિતીય વિશ્વ યુદ્ધમાં બોમ્બમારો થયા પછી પહેલી જ વખત સાંસદોએ આ નિયો-ગોથિક દેખાવ ધરાવતી ઐતિહાસિક ઈમારત ખાલી કરવી પડશે. નવીનીકરણ અને સમારકામનો અંદાજિત સમયગાળો અને ખર્ચ વધી પણ શકે છે. ખર્ચનો અન્ય અંદાજ ૭.૧ બિલિયન પાઉન્ડ પણ ગણાવાય છે. જોકે, ઓલિમ્પિક્સ યોજનાના ધોરણે જ આ કાર્ય કરવા પર ભાર મૂકાશે.
વેસ્ટમિન્સ્ટર પેલેસમાં નવીનીકરણ સંબંધે ગયા વર્ષે ડેલોઈટના રિપોર્ટમાં જણાવાયું હતું કે પેલેસમાં આગનું ભારે જોખમ, કેટલીક છતો અને દીવાલો પડી જવાનું જોખમ, પાઈપોમાં ગળતર તેમજ મોટા પ્રમાણમાં એસ્બેસ્ટોસની હાજરીની સમસ્યાઓ છે. આ ઉપરાંત, હીટિંગ, વેન્ટિલેશન, ઈલેક્ટ્રિકલ, વોટર અને ડ્રેનેજ સિસ્ટ્મ્સ બદલવાની પણ જરુર છે. આગનું ભારે જોખમ હોવાથી નવી ફાયર સેફ્ટી સિસ્ટમ્સ લગાવવી પડશે તેમજ એસ્બેસ્ટોસ દૂર કરવું પડશે. નવીનીકરણમાં પેલેસની ૪,૦૦૦ જેટલી બારીઓના રીપેરિંગ તેમજ નવી બનાવવી તેમજ સ્ટોનવર્કની સઘન જાળવણી અને સમારકામ, છતોમાં કાસ્ટ આયર્ન કામકાજને પણ પુનઃસ્થાપિત કરવું પડશે. તાજેતરના વર્ષોમાં લોર્ડ્સ ચેમ્બરની છતનો હિસ્સો નીચેની બેન્ચીસ પર તૂટી પડ્યો હતો, જ્યારે એક પાઈપ તૂટી જવાથી કમિટી રુમની કોરિડોરમાં પાણી ભરાયાં હતાં.
પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટર અંગે જોઈન્ટ કમિટીના સહઅધ્યક્ષ ટીના સ્ટોવેલે કહ્યું હતું કે પાર્લામેન્ટ બળીને ખાક થાય કે સિસ્ટમ્સની ગંભીર નિષ્ફળતાને નિવારવા નવીનીકરણ અને સમારકામ જરૂરી છે. સમિતિ ખર્ચનો અંદાજ બાંધી શકી ન હતી, પરંતુ ૨૦૧૪ના ડેલોઈટના અભ્યાસ મુજબ ખર્ચ ૩.૫થી ૩.૯ બિલિયન પાઉન્ડ થઈ શકે તેવા અંદાજને સમિતિએ ટેકો આપ્યો છે. આ બજેટને ટ્રેઝરી અને પાર્લામેન્ટ બહાલી આપે તે પછી જ આગળ વધી શકાશે. જો દરખાસ્તોને બહાલી મળશે તો પણ સાંસદોએ ૨૦૨૦ની સામાન્ય ચૂંટણી પછી જ ઈમારત ખાલી કરવી પડશે અને ૨૦૧૮ સુધીમાં તેનું વિસ્તૃત બજેટ તૈયાર કરી શકાશે. નવીનીકરણ કાર્ય ૨૦૨૨થી આરંભ થવાની શક્યતા છે, જેથી ૨૦૨૦ની સામાન્ય ચૂંટણીમાં ચૂંટાયેલા સભ્યો મૂળ ચેમ્બરમાં બેસવાનો લહાવો પણ લઈ શકે. જોકે, કાર્ય પૂર્ણ થવાના સમયપત્રક વિશે શંકા પ્રવર્તે છે. નવીનીકરણ કાર્ય ૨૦૨૮માં પૂર્ણ થઈ નહિ શકે અને ઓછામાં ઓછાં ૧૦ વર્ષ લાગી જશે તેમ પણ સૂત્રો જણાવે છે. આ ઉપરાંત, ચાર બિલિયન પાઉન્ડ ખર્ચનો અંદાજ ઘણો ઓછો છે અને ભૂતકાળના અનુભવો જોતાં ખર્ચ વધી સાત બિલિયન પાઉન્ડ જેટલો થવાનો દાવો થઈ રહ્યો છે.
ડાઉનિંગ સ્ટ્રીટના સૂત્રોએ જણાવ્યું હતું કે વડા પ્રધાન થેરેસા મેએ કમિટીની ભલામણોને સમર્થન આપવું કે નહિ તે મુદ્દે નિર્ણય કર્યો નથી, પરંતુ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટરના મહત્ત્વને તેઓ બરાબર પીછાણે છે અને સાંસદોના મંતવ્યો પણ સાંભળવા ઈચ્છશે. બીજી તરફ, પાર્લામેન્ટને અન્ય શહેરમાં લઈ જવા સહિતના વિકલ્પો વિચારાયા ન હોવાનું જણાવી સ્કોટિશ નેશનલ પાર્ટી (SNP) દ્વારા ભલામણોનો વિરોધ કરાયો છે. સ્કોટિશ પાર્ટીએ જણાવ્યું હતું કે સાંસદોએ આ સ્થળ છોડી દઈ અન્યત્ર બેસવાની વ્યવસ્થા કરવી જોઈએ. આ સ્થળે મ્યુઝિયમ બનાવી શકાય. SNPના નેતા એલેક્સ સાલમન્ડે કહ્યું હતું કે કરકસરના સમયમાં પાર્લામેન્ટને વિક્ટોરિયન યુગની ઈમારતમાં જ રાખવા ટોરી સરકાર કરદાતાઓના નાણાનો દુર્વ્યય કરવા દુરાગ્રહ રાખે છે. રિસ્ટોરેશન કમિટીની ભલામણો અંગે ક્રિસમસ અગાઉ સાંસદો અને લોર્ડ્સ દ્વારા મતદાન કરાવાય તેવી શક્યતા છે. લેબર સાંસદ અને જોઈન્ટ કમિટીના પ્રવક્તા ક્રિસ બ્રાયન્ટે આ યોજનાનો બચાવ કર્યો હતો. આ પ્રોજેક્ટ ૧૦થી ૧૫ વર્ષ ચાલી શકે તેવા સંજોગોમાં પાર્લામેન્ટની સાથે સમગ્ર સરકારને બીજા શહેરમાં લઈ જવામાં ભારે મુશ્કેલી નડે તેમ પણ તેમણે કહ્યું હતું. અનેક બેકબેન્ચર સાંસદોએ વિવિધ કારણોસર લેખિત વિરોધ પણ નોંધાવ્યો છે. કેટલાક સાંસદોએ નવા કાર્યમાં કેટલા સુધારાઓ કરવા જોઈએ તે પણ સૂચનો આપ્યાં છે.
સાંસદો અને લોર્ડ્સને અન્ય સ્થળે ખસેડવામાં આવે તો પાર્લામેન્ટ અને સરકારની કામગીરીનો અહેવાલ આપતા રાજકીય જર્નાલિસ્ટ્સ ‘લોબી’ માટે પણ જગ્યા શોધવી પડશે. આ ઉપરાંત, પાર્લામેન્ટના ‘સ્ટેટ ઓપનિંગ’ તેમજ રિસ્ટોરેશન કાર્ય દરમિયાન શાહી પરિવારના કોઈ વરિષ્ઠ સભ્યનું નિધન થાય તેવા સંજોગોમાં ‘લાઈંગ ઈન સ્ટેટ’ જેવાં વિશેષ સમારોહ ક્યાં યોજવા તેના વિશે પણ વિચાર કરાવો જોઈએ તેમ જણાવાયું છે. વેસ્ટમિન્સ્ટર એસ્ટેટમાં વિવિધ સમયગાળાના એટલે કે ૧,૦૯૯માં નિર્મિત વેસ્ટમિન્સ્ટર હોલ, વિશ્વપ્રસિદ્ધ બિગ બેન ક્લોક ટાવરથી માંડી ૨૦૦૧માં ખુલ્લાં મૂકાયેલાં અત્યાધુનિક અને કાચના વિશાળ પ્રાંગણ સાથેના પોર્ટક્યુલિસ હાઉસનો સમાવેશ થાય છે, જેને આ સમારકામની કોઈ અસર નડશે નહિ.
સમસ્યાઓનો ભંડાર
બિગ બેન- ચિંતાનો વિષય એ છે કે બિગ બેન ટાવર ઢળી રહ્યો છે. એલિઝાબેથ ટાવર ૧૮ ઈંચ (૪૬ સેન્ટિમીટર) ઢળ્યો હોવાની સૌપ્રથમ જાણ ૧૮૫૯માં થઈ હતી.
રુફ- પેલેસની છતો વોટરટાઈટ રહી નથી. આના પરિણામે છતો અને દીવાલોમાં ભેજ ઉતરે છે. દીવાલો નબળી પડી છે.
લિફ્ટ્સ- સૌથી જૂની લિફ્ટ ૧૮૯૩ની છે.
એસ્બેસ્ટોસ-સઘન ટ્રીટમેન્ટ આપવા છતાં કેટલાક વિસ્તારોમાં એસ્બેસ્ટોસની સમસ્યા છે.
સ્ટોન- ઈમારત જૂની થવાથી તેના સેન્ડસ્ટોના માળખામાં સમારકામ પણ કરવામાં આવ્યું છે. ઘણાં સ્થળે પથ્થરનું નકશીકામ ખરાબ થઈ ગયું છે અને તેમાંથી રેતી ખરી રહી છે.
ફાયર- ત્રણ વર્ષ અગાઉ જ ચેતવણી અપાઈ હતી કે કોરિડોર અને વેન્ટિલેશન્સ શાફ્ટ્સ ના કારણે આગ પ્રસરી જવાનું જોખમ વધુ છે.
ઓફિસીસ- એકરંડિશનિંગનું ઓછું પ્રમાણ અને ૪૪ રુમ્સમાં તો બારીઓ જ નથી.
ફ્લડિંગ- છતોમાં ગળતર અને નબળી ગટર વ્યવસ્થા તેમજ વિક્ટોરિયા યુગના ડ્રેનેજ સિસ્ટમથી પૂરની સમસ્યા વધતી ગઈ છે.
વિન્ડોઝ- પેલેસની ૩,૪૦૦ બારીઓમાંથી મોટા ભાગની બ્રોન્ઝમાંથી બનાવાઈ છે. બાકીની બારીઓની પ્રેમ લોખંડની છે તેમજ સીસાની બારીના ચોકઠામાં હીરાની તકતીઓ છે અથવા લાકડાની બારીઓ છે.
કેબલિંગ- પેલેસનું કેબલિંગ ઘણું જૂનું છે. છેક ૧૯૪૦ના દાયકાના કેબલિંગમાં કોઈ સુધારાવધારા કે સમારકામ કરાયું નથી. ઘણા સ્થળે તો કેબલકામ માટે જઈ શકાય તેવું નથી.
ઉંદર-પેલેસમાં ઉંદરની સમસ્યા પણ મોટી છે. ઉંદર દેખાયા હોવાની જાણ કરવા માટે પણ હોટલાઈન સ્થાપવામાં આવી છે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સની વધેલી કિંમતો
પોર્ટક્યુલિસ હાઉસઃ £૧૬૦ મિલિયનના ખર્ચે ૧૯૯૧માં કાર્ય પૂર્ણ કરવાનું હતું, પરંતુ ૨૦૦૧માં ખુલ્લું મૂકાયું ત્યારે તેનો ખર્ચ વધીને £૨૩૪ મિલિયન થયો હતો.
હોલીરુડમાં સ્કોટિશ પાર્લામેન્ટ બિલ્ડિંગઃ ત્રણ વર્ષના વિલંબ પછી ૨૦૦૪માં ખુલ્લું મૂકાયું ત્યારે પ્રાથમિક અંદાજથી ખર્ચ ૧૦ ગણો વધી £૪૧૪ મિલિયન થયો હતો.
ધ મિલેનિયમ ડોમઃ ખર્ચનો પ્રાથમિક અંદાજ £૩૯૯ મિલિયન હતો, જે વધીને £૭૮૯ મિલિયન થયો હતો.
ચેનલ ટનેલઃ ખર્ચનો પ્રાથમિક અંદાજ £૪.૮ બિલિયનનો હતો, પરંતુ આખરી કિંમત વધીને £૧૦ બિલિયન થઈ હતી.