લંડનઃ બર્મિંગહામમાં 7 સપ્ટેમ્બર 2019ના રોજ એક વ્યક્તિની હત્યાનું કાવતરું ઘડવા માટે પિતા-પુત્રને 40 કરતાં વધુ વર્ષ જેલની સજા કરાઇ છે. પિતા મોહમ્મદ અસલમ અને પુત્ર મોહમ્મદ નાઝિરે અસલત મુહમ્મદની હત્યા કરવા માટે અમેરિકાની એક ભાડૂતી મહિલા હત્યારીને કામ પર લગાવી હતી પરંતુ હત્યાના પ્રયાસ વખતે તેની બંદૂક જામ થઇ જતાં અસલતનો પુત્ર સિકંદર અલી બચી ગયો હતો. મહિલા હત્યારીએ ભૂલથી અસલતની જગ્યાએ તેના પુત્રને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો.
મોહમ્મદ અસલમ અને અસલતના પરિવારો વચ્ચે વેરઝેર ચાલી રહ્યાં હતાં. 2018માં અસલતની બ્યુટિક શોપ ખાતે થયેલી અથડામણમાં બંને પક્ષના સભ્યોને ઇજા પહોંચી હતી.
બર્મિંગહામ ક્રાઉન કોર્ટે અસલમ અને નઝિરને હત્યાના કાવતરા માટે દોષી ઠેરવી નઝિરને 32 વર્ષ અને અસલમને 10 વર્ષ કેદની સજા ફટકારી હતી. આ પિતા-પુત્રે અમેરિકાના વિસ્કોન્સિનમાં રહેતી એમી બેટ્રોને અસલતની હત્યાની સોપારી આપી હતી. એમીને 2024ના પ્રારંભે આર્મેનિયામાંથી ઝડપી લેવાઇ હતી અને હાલ તેના પ્રત્યર્પણની પ્રક્રિયા ચાલી રહી છે.