• શ્વેત બ્રિટિશ મહિલા દ્વારા ખ્રિસ્તીઓના શિરચ્છેદની ધમકીઃ સીરિયામાં Isis ત્રાસવાદીઓ સાથે જોડાયેલી શ્વેત બ્રિટિશ મહિલા સેલી જોન્સે બૂઠાં ચાકુથી ખ્રિસ્તીઓનો શિરચ્છેદ કરી સીરિયાના રાક્કા શહેરની રેલિંગો પર લટકાવી દેવાની ઈચ્છા વ્યક્ત કરી છે. બર્મિંગહામના કોમ્પ્યુટર હેકર જૂનૈદ હુસેન સાથે ઓનલાઈન રોમાન્સ પછી સેલી ગયા વર્ષે સીરિયા ગઈ હોવાનું કહેવાય છે. આ મહિલાએ ઈસ્લામમાં ધર્માન્તર પછી ઉમ હુસેન અલ-બ્રિટાની અથવા સાકીનાહ હુસેન નામ ધારણ કર્યું છે. તેણે ટ્વીટર પર ખ્રિસ્તી અને યહુદીઓ માટે ભયાનક ધમકીઓ આપી છે.
• અશ્વેત ઓફિસર વોલ્ટર ટુલને દર્શાવતો સ્મારક સિક્કોઃ બ્રિટનના લશ્કરી દળોમાં સૌપ્રથમ અશ્વેત ઓફિસર વોલ્ટર ટુલને દર્શાવતો સ્મારક સિક્કો ધ રોયલ મિન્ટ દ્વારા જારી કરવામાં આવ્યો છે. પ્રથમ વિશ્વ યુદ્ધની યાદગીરીમાં પાંચ પાઉન્ડની કિંમતના એક એવા છ સિક્કાઓનો સેટ બહાર પાડવામાં આવ્યો છે. આ સિક્કાઓમાં પ્રથમ વિશ્વ યુદ્ધની યાદગાર ઘટના અને વ્યક્તિત્વોને આવરી લેવાયાં છે.