લંડનઃ યુએસના ઓક્લોહોમાની મિડલ સ્કૂલના ભારતીય અમેરિકન શિક્ષક અક્ષ પટેલ અને ઉત્તરાખંડની લગભગ અજાણી સંસ્થાના ફીઝિકલી ચેલેન્જ્ડ શિક્ષક પ્રદીપ નેગી લંડનસ્થિત વાર્કી ફાઉન્ડેશનના ગ્લોબલ ટીચર્સ એવોર્ડ-૨૦૧૮ના ટોપ-૫૦ દાવેદારોમાં સ્થાન પામ્યા છે.
શિક્ષણના ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરના એવોર્ડના વિજેતાને ૧૦ લાખ ડોલર અથવા તો પુરસ્કારના ૬.૪૦ કરોડ રૂપિયા અપાય છે. એવોર્ડ માટે ૧૭૩ દેશના ૩૦,૦૦૦ અરજદાર શિક્ષકોમાંથી ૫૦ શિક્ષકની પસંદગી કરાઇ છે. એવોર્ડ માટે શોર્ટલિસ્ટ ટોપ-૫૦માંથી ટોપ-૧૦ની પસંદગી કરવામાં આવશે. આ દસ લોકોને ૨૦૧૮ની ૧૮મી માર્ચે દુબઇમાં આયોજિત કાર્યક્રમમાં આમંત્રિત કરાશે, જ્યાં વિજેતાની જાહેરાત કરાશે.
ટેક્સાસના ડલાસમાં થોમસ જે રસ્ક મિડલ સ્કૂલમાં સ્પેનિશ શીખવતા અક્ષ પટેલે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી વર્ચ્યુઅલ ક્લાસરુમ્સ સ્થાપ્યા છે. અક્ષ પટેલે શૈક્ષણિક કારકીર્દિ ઓક્લોહોમાની નાની ગ્રામ્ય કોમ્યુનિટીમાં શરુ કરી હતી. તેઓ પાંચ ભાષા બોલે છે અને ૩૦થી વધુ દેશમાં પ્રવાસ ખેડ્યો છે. તેમણે વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમ વધુ રસપ્રદ બનાવવા પોતાના અનુભવનો ઉપયોગ કર્યો છે. તેમણે ચેરિટેબલ ઓર્ગેનાઈઝેશન વર્લ્ડ એક્સ્પીરિયન્સીસ ફાઉન્ડેશનની સ્થાપના કરી છે. તેમણે ગ્લોબલ કનેક્ટ ડેટાબેઝ સ્થાપી એબોડ કનેક્ટ, સ્કાયપી અને ગૂગલ હેંગઆઉટ જેવા વર્ચ્યુઅલ પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરી વિશ્વના લોકો અને પ્રોફેશનલ્સ સાથે વિદ્યાર્થીઓનો સંપર્ક કરાવ્યો છે. તેમણે અત્યાર સુધી સરકારી અને બિનસરકારી અસંખ્ય એવોર્ડ્સ મેળવ્યા છે.
ઉત્તરાખંડના રાનીપુરની સરકારી સ્કૂલમાં અર્થશાસ્ત્ર, સોશિયલ સાયન્સ અને કમ્પ્યુટર ભણાવતા પ્રદીપ નેગી કહે છે કે, ‘૩૦,૦૦૦ લોકોમાં ટોપ-૫૦ સુધી પહોંચવું એ મોટી ઉપલબ્ધિ છે અને હજી તો વધુ આગળ જવાની આશા પણ કાયમ છે. મને વિશ્વાસ છે કે મારી આ સફરથી નાના શહેરોના શિક્ષકોનું મનોબળ વધશે.’ પોતાના સંઘર્ષ વિશે નેગી કહે છે, ‘હું પોલિયોગ્રસ્ત અવશ્ય છું પરંતુ તેનાથી આગળ વધવાનો માર્ગ રોકાયો નથી. હું સ્કૂલમાં બાળકોને નવા-નવા પ્રયોગ કરવા પ્રેરિત કરું છું અને તેમની સાથે હું પણ મહેતન કરતો રહું છું.’ બાળપણથી પોલિયોગ્રસ્ત પ્રદીપ નેગી બાળકોને ભણાવવા સાથે રાજ્યના શિક્ષકોને પણ ટીચિંગની ટ્રેનિંગ આપે છે. તેઓ અત્યાર સુધી ૧,૨૦૦ શિક્ષકોને ટ્રેનિંગ આપી ચૂક્યા છે.
એવોર્ડ સમિતિએ પરિસ્થિતિઓ સામે ઝઝૂમવાની ક્ષમતાને કારણે નેગીની પસંદગી કરી છે. નેગીથી ભારે પ્રભાવિત વાર્કી ફાઉન્ડેશનના સ્થાપક સની વાર્કી કહે છે કે, ‘ફાઈનલ-૫૦માં પહોંચવા બદલ પ્રદીપ નેગીને અભિનંદન. નેગીએ બતાવ્યું કે કેવી રીતે તેમના પોલિયોગ્રસ્ત હોવાને કારણે બાળપણમાં સ્કૂલમાં સાથી વિદ્યાર્થીઓ ચીઢવતા હતા. પરિસ્થિતિઓને પાછળ છોડીને આજે તેઓ પોતે એક ટીચર છે. અવરોધો પાર કરીને નવી ટેકનોલોજીના ઉપયોગ થકી બાળકોને ઈકોનોમિક્સ અને સામાજિક વિષયો શીખવા પ્રેરિત કરે છે.’