લંડનઃ ભારતની ઇન્ફોસિસ કંપની દ્વારા વડાપ્રધાન રિશી સુનાકના પત્ની અક્ષતા મૂર્તિને ડિવિડન્ડ પેટે 10.5 મિલિયન પાઉન્ડ ચૂકવાયા છે. આટલી રકમમાંથી અક્ષતા તેમના પતિ માટે એડિડાસ સામ્બાસની 1,16,000 જોડી ખરીદી શકે તેવો કટાક્ષ કરાયો છે. અક્ષતા મૂર્તિ તેમના પિતા નારાણય મૂર્તિ દ્વારા સ્થાપિત ભારતની આઇટી જાયન્ટ કંપની ઇન્ફોસિસમાં 0.94 ટકાનો શેર હિસ્સો ધરાવે છે. ઇન્ફોસિસે વર્ષ 2023 માટેના પરિણામ જાહેર કરતાં શેર દીઠ 20 રૂપિયા રેગ્યુલર ડિવિડન્ડ અને 8 રૂપિયા સ્પેશિયલ ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી હતી.
ઇન્ફોસિસ વર્ષમાં બે વાર ડિવિડન્ડની જાહેરાત કરે છે. ગયા એપ્રિલમાં અક્ષતા મૂર્તિને આ પેટે 6.7 મિલિયન પાઉન્ડ ડિવિડન્ડ પેટે મળ્યાં હતાં. 2020થી અત્યાર સુધીમાં તેમને ડિવિડન્ડ પેટે 50 મિલિયન પાઉન્ડ કરતાં વધુની આવક થઇ છે.