અડધોઅડધ વિશ્વ મધ્યમવર્ગી કે ધનવાનઃ ગરીબોની વસ્તીમાં ઘટાડો

Wednesday 17th October 2018 02:35 EDT
 
 

લંડનઃ માનવ ઈતિહાસમાં સૌપ્રથમ વખત વિશ્વની અડધોઅડધ વસ્તી ગરીબ અથવા લગભગ ગરીબની કક્ષામાં આવી છે. વિશ્વના સૌથી મોટાં આર્થિક ગ્રૂપ બ્રૂકિંગ્સ ઈન્સ્ટિટ્યૂટના અભ્યાસ અનુસાર સપ્ટેમ્બર ૨૦૧૮ સુધીમાં અંદાજે ૩.૮ બિલિયન લોકો મધ્યમવર્ગીય અથવા ધનવાનની કક્ષામાં આવ્યાં છે. વધુ ઉત્પાદકતા અને સુધરેલી ઉત્પાદન ટેકનોલોજીથી પ્રોફિટમાં વધારા સાથે મધ્યમવર્ગની વૃદ્ધિમાં એશિયા મોખરે રહ્યું છે. હાલ ૩.૬ બિલિયન લોકો બહુમતી સાથે મિડલ ક્લાસમાં વર્ગીકૃત થયાં છે, જેમની સંખ્યા ૨૦૨૦ના અંત સુધીમાં ચાર બિલિયન અને ૨૦૩૦ સુધીમાં વધીને ૫.૩ બિલિયન થવાના માર્ગે છે.

બ્રૂકિંગ્સ ઈન્સ્ટિટ્યૂટના નિષ્ણાતોએ ૧૮૮ દેશની સ્થિતિની ગણતરી કરવા ગરીબીની વ્યાખ્યા તરીકે દૈનિક વ્યક્તિદીઠ ૧.૯૦ ડોલરથી ઓછો ખર્ચ કરતા પરિવારને ધ્યાનમાં રાખ્યો છે. વિશ્વમાં ગરીબોની સ્થિતિ સુધારવા વિકાસપ્રયાસો થવાં છતાં દર સેકન્ડે માત્ર એક વ્યક્તિ અતિ ગરીબીની હાલતમાંથી બહાર આવે છે. બીજી તરફ, દર સેકન્ડે પાંચ વ્યક્તિ મિડલ ક્લાસમાં પ્રવેશે છે.

મિડલ ક્લાસનાં વર્ગીકરણની વ્યાખ્યા એ કરાઈ છે કે પરિવારના સભ્યદીઠ દિવસમાં ૧૦થી ૧૧૦ ડોલરનો ખર્ચ થાય છે. મધ્યમવર્ગીય પરિવાર વધારાની આવક સાથે ઘરેલું ઉપકરણો અને વાહનોની ખરીદ, ફિલ્મ સહિત મનોરંજનને સરળતાથી માણે છે. બેરોજગારી અથવા બીમારી જેવાં આર્થિક આઘાતનો સામનો કરી શકાશે તે વિશે કોન્ફિડન્સ ધરાવે છે.

એશિયામાં મિડલ ક્લાસની બહુમતી રહેશે. આગામી એક બિલિયન મધ્યચમવર્ગીય ગ્રાહકોમાં ૧૦માંથી નવ ગ્રાહક ચીન, ભારત, દક્ષિણ અને સાઉથ ઈસ્ટ એશિયાના હશે. એશિયન દેશોમાં ઘણાં બિઝનેસીસે તેમના મજબૂત ઉત્પાદનોને માર્કેટમાં રાખી ગ્લોબલ વેલ્યુ ચેઈનનો અસરકારક હિસ્સો બનવા તેમનું ધ્યાન ઉત્પાદનો અને વેચાણ પર કેન્દ્રિત કર્યું છે. વિશ્વની માગનો અડધો હિસ્સો ખાનગી પરિવારોનો છે અને તેમાંની ૬૬ ટકા માગ મિડલ ક્લાસમાંથી આવે છે. મધ્યમવર્ગ વૈશ્વિક અર્થતંત્રમાં માગવૃદ્ધિને વધારતું એન્જિન છે. ધનવાનો વ્યક્તિદીઠ વધુ ખર્ચ કરે છે પરંતુ, તેઓ વસ્તીનો અલ્પ હિસ્સો હોવાથી આર્થિક સોયને ફેરવી શકતા નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter