લંડનઃ સાંસદોની અનૈતિકતાના કૌભાંડ મુદ્દે વડા પ્રધાન બોરિસ જ્હોન્સન લોકરોષનો સામનો કરી રહ્યા છે. તાજા સર્વેમાં લેબર પાર્ટી છ પોઈન્ટ્થી ટોરી પાર્ટીથી આગળ નીકળી છે. ગત સપ્તાહે ટોરી પાર્ટી ત્રણ પોઈન્ટની સરસાઈ ભોગવતી હતી અને હવે છ પોઈન્ટ પાછળ છે. વડા પ્રધાન માટે આ આંચકો પચાવવો સહેલો નથી.
ડેઈલી મેઈલ અખબાર માટે Savanta ComRes દ્વારા કરાયેલા સર્વેમાં ટોરી પાર્ટીએ લેબર પાર્ટી સામેની સરસાઈ ગુમાવી હતી. લોકોએ વડા પ્રધાન પકડ ગુમાવી રહ્યા હોવાનું સ્પષ્ટ કર્યું હતું. સ્લીઝ કૌભાંડ બાબતે જ્હોન્સને લોકોની માફી માગવી જોઈએ તેવી લાગણી ૬૬ ટકા મતદારોએ વ્યક્ત કરી હતી. માત્ર ૧૯ ટકાએ તેમની તરફેણ કરી હતી. બહુમતી લોકોએ જણાવ્યું હતું કે ટોરી માંધાતા સર જ્યોફ્રી કોક્સે બીજી નોકરી કરી લાખો પાઉન્ડની કમાણી કરવા બદલ રાજીનામું આપવું જોઈએ. આ પોલમાં ૫૦ ટકા લોકોએ સાંસદો પર બીજી નોકરી કરવા પર પ્રતિબંધ હોવો જોઈએ તેમ જણાવ્યું હતું. માત્ર ૨૫ ટકાએ વર્તમાન સિસ્ટમને સ્વીકારી હતી.
કન્ઝર્વેટિવ પાર્ટીને ટેકામાં એક જ સપ્તાહમાં ૪ પોઈન્ટનો ઘટાડો થયો હતો અને તેને ૩૪ ટકા મત મળ્યા હતા. આની સામે લેબર પાર્ટીને ૪૦ ટકા મત મળ્યા હતા જે મે ૨૦૧૯ પછી સૌથી વધુ પોઈન્ટ છે. Savanta ComRes દ્વારા ૧૧ અને ૧૨ નવેમ્બરે યુકેના ૨૦૧૯ પુખ્ત લોકોનો મત મેળવાયો હતો. અગાઉ, YouGovના પોલમાં બંને પાર્ટીએ સરખા ૩૫ ટકા મેળવ્યા હતા.