લંડનઃ રીડર્સ ડાયજેસ્ટે તેના સમગ્ર ઇતિહાસ દરમિયાન તેના વાચકોને સતત ભાવનાત્મક જોડાણ પ્રદાન કર્યું છે. તેની આકર્ષક અને હૃદયસ્પર્શી વાર્તાઓ, વિચાર પ્રેરક લેખો અને મદદરૂપ ટીપ્સની વિશાળ શ્રેણી સાથે, મેગેઝિન અસખ્ય વ્યક્તિઓ માટે પ્રેરણાનો વિશ્વસનીય સ્ત્રોત બની ગયું છે. જો કે દુર્ભાગ્યની વાત તો એ છે કે છેલ્લા 85 વર્ષથી પ્રસિદ્ધ થતી રીડર્સ ડાયજેસ્ટની યુકે આવૃત્તિ બંધ કરવામાં આવશે. મેગેઝિનના એડિટર-ઇન-ચીફ, ઇવા મેકેવિકે થોડા સમય પહેલાં તેની જાહેરાત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે, 86 અદ્ભુત વર્ષો પછી, મને જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે રીડર્સ ડાયજેસ્ટ યુકેનો અંત આવ્યો છે. છેલ્લા છ વર્ષથી તેની પ્રતિભાશાળી ટીમનું નેતૃત્વ કરીને લગભગ આઠ વર્ષથી આ પ્રતિષ્ઠિત પ્રકાશનમાં યોગદાન આપવું એ મારા માટે વિશેષાધિકાર અને આનંદની વાત છે. કમનસીબે, કંપની મેગેઝિન પ્રકાશનનો ખર્ચ ઉઠાવી શકે તેમ નથી તેથી તેને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
તેમણે જણાવ્યું હતું કે, હું બધા અતુલ્ય સાથીદારો, લેખકો, પીઆર અને બ્રાન્ડ્સનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવા માંગુ છું જેની સાથે મને વર્ષોથી સહયોગ કરવાનો આનંદ મળ્યો છે. તમારા જુસ્સા અને કુશળતાએ આ પ્રવાસને અવિસ્મરણીય બનાવ્યો છે અને સમગ્ર કારકિર્દીમાં કેટલાક અદ્ભુત મિત્રો બનાવવા માટે હું ભાગ્યશાળી રહી છું.