લંડનઃ યુકેમાં કન્ઝર્વેટિવ શાસનકાળ દરમિયાન વધેલા ઇમિગ્રેશન પર પહેલા પાર્ટીના બચાવમાં નિવેદન આપ્યા પછી પૂર્વ હોમ સેક્રેટરી અને હાલના શેડો ફોરેન સેક્રેટરી પ્રીતિ પટેલે ફેરવી તોળતાં જણાવ્યું હતું કે, અગાઉની કન્ઝર્વેટિવ સરકારના કાર્યકાળમાં વધેલા ઇમિગ્રેશનથી હું ખુશ નહોતી.
આ પહેલાં એક અખબારી મુલાકાતમાં પ્રીતિ પટેલે તેમના હોમ સેક્રેટરી તરીકેના કાર્યકાળમાં વધેલા ઇમિગ્રેશન અંગે માફી માગવાનો ઇનકાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, મારા કાર્યકાળ દરમિયાનની સરકારે માઇગ્રન્ટ્સ માટે સરહદો ખુલ્લી મૂકી દીધી હતી તેમ કહેવું તદ્દન અયોગ્ય છે. જોકે વર્તમાન ટોરી નેતા કેમી બેડનોકે પટેલની ટિપ્પણીઓથી અંતર જાળવ્યું હતું. તેમના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કન્ઝર્વેટિવ પાર્ટી તેણે કરેલી ભૂલો અંગે સત્ય રજૂ કરશે.
વર્ષ 2024માં જારી કરાયેલા આંકડા અનુસાર જૂન 2023માં પૂરા થયેલા છેલ્લા એક વર્ષમાં યુકેમાં માઇગ્રેશન રેકોર્ડ 9,06,000 પર પહોંચી ગયું હતું. ત્યારબાદના એક વર્ષમાં આ આંકડો 7,28,000 રહ્યો હતો. બ્રેક્ઝિટ બાદ વર્ક વિઝા માટે લાગુ કરાયેલી પોઇન્ટ આધારિત સિસ્ટમના કારણે ઇમિગ્રેશનમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો.