અમારી માતા અંધારા વિશ્વાકાશમાં પ્રકાશનું કિરણ હતીઃ પ્રિન્સ વિલિયમ અને હેરીની વ્યથા

બંને પ્રિન્સ માતાના મોત વિશે જાહેરમાં ચર્ચામાં નહિ જોડાય અને તેમના વારસાને આગળ વધારવા કામે લાગશે

Tuesday 29th August 2017 15:20 EDT
 
 

લંડનઃ બ્રિટિશ શાહી અને લોકઈતિહાસમાં અદકેરું માન અને સ્થાન પામનારા માત્ર ૩૬ વર્ષનાં પ્રિન્સેસ ડાયેનાના કરુણ મૃત્યુને ૩૧ ઓગસ્ટે ૨૦ વર્ષ પૂર્ણ થશે. પ્રિન્સેસ ડાયેનાનું જીવન અને મૃત્યુ ભારે ચર્ચાસ્પદ બની રહ્યું હતું. બીબીસી વન પર ‘Diana, 7 Days’ નામની ટેલિવિઝન ડોક્યુમેન્ટરી દર્શાવવામાં આવી હતી, જેમાં પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હેરીએ માતા ડાયેનાના મોત સંબંધે પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી. આ ડેક્યુમેન્ટરીમાં પ્રિન્સ વિલિયમે જણાવ્યું છે કે, તેમની માતા ‘અંધારા વિશ્વમાં પ્રકાશના કિરણ સમાન’ હતી. જોકે હવે બંને પ્રિન્સ ગમખ્વાર અકસ્માતમાં માતાનાં કરુણ મૃત્યુની ઘટનાને પાછળ છોડી દેશે અને સખાવતી કાર્યોનાં તેમના વારસાને આગળ ધપાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

ગુરુવારે પ્રિન્સેસ ડાયેનાના મૃત્યુની ૨૦મી વર્ષી નિમિત્તે યોજાનારા સત્તાવાર કાર્યક્રમોમાં ક્વીન એલિઝાબેથ દ્વિતીય, પ્રિન્સ ચાર્લ્સ, પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હેરી હાજરી આપવાના નથી. ક્વીન અને શાહી પરિવારના અન્ય સભ્યો બાલ્મોરલ પેલેસમાં રજાઓ માણી રહ્યાં છે, જ્યારે પ્રિન્સ ચાર્લ્સ સ્કોટિશ હાઈલેન્ડ્સમાં આવેલા તેમના બર્કહોલ નિવાસ ખાતે વાર્ષિક રજાઓ ગાળી રહ્યા છે. બીજી તરફ, કેન્સિંગ્ટન પેલેસના દરવાજાઓની બહાર પ્રિન્સેસ ડાયેનાની સ્મૃતિમાં પુષ્પો અને કાર્ડ્સનો ઢગ ઠલવાતો જાય છે. આજથી ૨૦ વર્ષ અગાઉ પણ રાષ્ટ્રીય શોકની હાલતમાં લોકોએ પેલેસની બહાર સ્મૃતિચિહ્નોનો વિશાળ ડુંગર ખડકી દીધો હતો.

પ્રિન્સેસ ડાયેનાના પુત્રોએ સૌપ્રથમ વખત બે ટેલિવિઝન ઈન્ટર્વ્યૂમાં ૨૦ વર્ષ અગાઉ ૧૯૯૭ના ઓગસ્ટના આખરી સપ્તાહમાં જે દુઃખદ ઘટના ઘટી હતી તેના વિશે પીડા વ્યક્ત કરી હતી. જોકે, તેમના સહાયકોએ જણાવ્યા અનુસાર હવે તેઓ આ વિશે જાહેર ચર્ચામાં સંકળાશે નહિ. પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હેરી માતાની સ્મૃતિને જીવંત રાખવાના ધ્યેય સાથે બુધવારે ડાયેનાની પસંદગીની ચેરિટીઝના પ્રતિનિધિઓને કેન્સિંગ્ટન પેલેસમાં મળશે. ડચેસ ઓફ કેમ્બ્રિજની સાથે તેઓ નેશનલ એઈડ્સ ટ્રસ્ટ, ધ લેપ્રસી મિશન અને ગ્રેટ ઓર્મોન્ડ સ્ટ્રીટ હોસ્પિટલ સહિત ચેરિટીઝના લોકો સાથે મુલાકાત કરવાના છે. આ ઉપરાંત, તેઓ ધ સંકન ગાર્ડનની પણ મુલાકાત લેશે. પ્રિન્સેસ ડાયેના જ્યારે કેન્સિંગ્ટન પેલેસમાં રહેતાં હતાં ત્યારે આ તેમનું પ્રિય સ્થળ હતું. આ વર્ષે ગાર્ડનમાં પુષ્પોની શ્વેત ચાદર પથરાઈ ગઈ છે.

લોકો શા માટે રડ્યાં તે મને સમજાયું જ નહિઃ વિલિયમ

‘Diana, 7 Days’ ડોક્યુમેન્ટરી યુ.એસ. ડિરેક્ટર હેન્રી સિંગર દ્વારા તૈયાર કરવામાં આવી છે. માતાનાં મૃત્યુના સમયે પ્રિન્સ વિલિયમ લગભગ અબૂધ હતા. ‘લોકો તેમની માતાને બરાબર જાણતા કે ઓળખતા ન હોવાં છતાં શા માટે રડતાં અને વલોપાત કરતાં હતાં તે મને ત્યારે સમજાયું ન હતું’ તેમ પ્રિન્સે સ્વીકાર્યું છે. વિલિયમે કહ્યું હતું કે,‘જોકે, હવે મને સમજાય છે કે મારી માતાએ વિશ્વને અને સંખ્યાબંધ લોકોને શું આપ્યું હતું.’

માતાની શીખઃ તમે શક્ય તેટલું આપતા રહો

પ્રિન્સ હેરીએ ડોક્યુમેન્ટરીમાં માતાએ આપેલી સમજને વાગોળી હતી. તેણે કહ્યું હતું કે માતાએ પુત્રોને સૌથી શ્રેષ્ઠ એ જ શીખવ્યું છે કે,‘ તમે જે કાંઈ કરો તે સંપૂર્ણતા સાથે કરો અને શક્ય તેટલું પ્રદાન આપો. જોહું તેમના વ્યક્તિત્વનો એક અંશ પણ બની શકીશ તો તે મારા માટે ગૌરવ હશે અને હું તેમને ગૌરવશાળી બનાવીશ.’ પ્રિન્સ હેરીએ કહ્યું હતું કે અમારી માતા વિશે વાત કરવાનું અમારા બન્ને માટે કદી સરળ નહિ રહે, પરંતુ તેમણે માત્ર રોયલ ફેમિલી માટે જ નહિ સમગ્ર વિશ્વ માટે પણ જે તફાવત સર્જ્યો તેની યાદ અપાવવા ૨૦ વર્ષ ઘણો સમય છે.’

પ્રિન્સ ચાર્લ્સ અને ક્વીનની પ્રશંસા

પેરિસ કાર અકસ્માતમાં પૂર્વ પત્નીનાં મૃત્યુની વર્ષગાંઠ નજીક આવતી ગઈ તેમ પ્રિન્સ ચાર્લ્સ સામે ટીકાઓનો મારો વધી ગયો છે. જોકે, પ્રિન્સ હેરીએ તે સમયે બંને ભાઈઓને માતાના મૃત્યુના સમાચાર આપવામાં પિતાએ દર્શાવેલી હિંમતને દાદ આપી છે. તેણે પિતા વિશે કહ્યું હતું કે ‘તે સમયે તેઓ પણ શોકના આઘાતમાંથી પસાર થઈ રહ્યા હતા.’ ચાર કલાકની બીબીસી ડોક્યુમેન્ટરીમાં બંને ભાઈઓએ ક્વીનનો બચાવ અને પ્રશંસા કરી છે. પ્રિન્સેસના ગમખ્વાર અકસ્માત પછીના દિવસોમાં ક્વીન બંને નાના પ્રિન્સ સાથે બાલ્મોરલ પેલેસમાં જ રહ્યાં તેથી ભારે ટીકા અને લોકરોષનો શિકાર બન્યાં હતાં. પ્રિન્સ વિલિયમે જણાવ્યું હતું કે,‘મારા દાદીમાં માટે આવો નિર્ણય કરવો ભારે મુશ્કેલ બન્યો હશે. તેઓ વિલિયમ અને હેરીના દાદીમા તથા બ્રિટિશ ક્વીનની ભૂમિકાઓ વચ્ચેના ભારે દબાણ હેઠળ હતાં.’ 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter