લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સ્પષ્ટપણે જણાવ્યું છે કે લંડન બ્રિજ હુમલા બદલ હોમ ઓફિસની Prevent - પ્રિવેન્ટ સ્કીમને દોષી ગણાવી શકાય નહિ. પ્રિવેન્ટ સ્કીમ તો ઉગ્રવાદ વિરુદ્ધ યુકે સરકાર દ્વારા પાયાનું યુદ્ધ છે. ઔદ્યોગિક નિષ્ણાતો આ યોજનાને તેની ત્રાસવાદવિરોધી રણનીતિ બદલ સૌથી વિવાદાસ્પદ ગણાવે છે. આ રણનીતિ કોમ્યુનિટીઓને કટ્ટરવાદિતાના જોખમ સામે શિક્ષિત કરવાની તેમજ કોઈ પણ ગુનો આચરાય તેના ઘણા સમય અગાઉ અસલામત વ્યક્તિઓ માટે કવચરુપ બની રહેવાની છે.
વડા પ્રધાન જ્હોન્સને ગુજરાત સમાચાર - Asian Voice સાથે વિશેષ મુલાકાતમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘પ્રિવેન્ટના ટીકાકારો હોવાં છતાં, લોકોને કટ્ટરવાદ અને ઉગ્રવાદના માર્ગે આગળ વધતા અટકાવવા અમારે તમામ કરી છૂટવું જોઈશે. હું માનતો નથી કે તાજેતરના હુમલાને પ્રિવેન્ટ સ્કીમની ક્ષતિઓ સાથે સાંકળી શકાય. મને લાગે છે કે લંડન બ્રિજ હુમલા માટે જવાબદાર વ્યક્તિ અતિ ગંભીર જેહાદી હશે, જે અંજેમ ચૌધરી અને અન્યો સાથે સંપર્કમાં આવી ઉગ્રવાદી બન્યો હોય.’
તાજા અહેવાલો પ્રમાણે દેશમાં ઈસ્લામવાદી જોખમ મજબૂત છે અને ત્રાસવાદવિરોધી નિષ્ણાતો આત્મસંતોષમાં રાચવા સામે ચેતવણી આપે છે. સોમવારે ઈસ્લામિક જોખમ સંબંધિત ત્રાસવાદી ગુનાઓની શંકાએ બ્રિસ્ટોલના ક્લિફટન ઉપનગરમાંથી એક વ્યક્તિની ધરપકડ કરાઈ હતી.
એવોન એન્ડ સમરસેટ પોલીસના જણાવ્યા અનુસાર ૩૩ વર્ષીય પુરુષને ત્રાસવાદના આચરણ, કાવતરાં અને ઉશ્કેરણીની શંકાએ પકડી લેવાયો હતો. જોકે, પોલીસે ઉમેર્યું હતું કે આ ઘટનાને ઉસ્માન ખાન અને લંડન બ્રિજ હુમલા સાથે કોઈ સંબંધ નથી.
આમ છતાં, ૭/૭ના લંડન બોમ્બહુમલાઓ પછી યુકેમાં આતંકવાદનું જોખમ સતત વધતું રહ્યું છે તેનો સામનો કરવામાં સરકારની સરિયામ નિષ્ફળતા પર પ્રકાશ ફેંકાઈ રહ્યો છે. હોમ ઓફિસનો દાવો છે કે ૨૦૦૩માં રચના કરાયા પછી પ્રીવેન્ટ યોજનાએ અત્યાર સુધી૧૨૦૦થી વધુ વ્યક્તિઓને ઉગ્રવાદના માર્ગેથી અને સંભવતઃ ત્રાસવાદી પ્રવૃત્તિઓથી પાછાં વાળ્યા છે. જોકે, એ પણ નોંધવું જોઈએ કે ઉસ્માન ખાન પ્રીવેન્ટની શાખા ડેસિસ્ટન્સ એન્ડ ડિસએન્ગેજમેન્ટ પ્રોગ્રામ (DPP)નો ભાગ હતો. ખૂંખાર ઈસ્લામિક ઉપદેશક અંજેમ ચૌધરી અને તેનો પ્રભાવ ડીપીપી વિષયમાં આવે છે. ઉસ્માન ખાન કાશ્મીરમાં ટ્રેનિંગ કેમ્પ્સમાં હાજરી આપવા યુકેના ઉદ્દામવાદીઓની ભરતી કરવાની યોજના ધરાવતો હોવાનું પણ બહાર આવ્યું છે.
‘કાશ્મીર મુદ્દે પાકિસ્તાન અથવા ભારતનો પક્ષ લેવો અયોગ્ય’
ભારત સરકાર દ્વારા કાશ્મીરમાં આર્ટિકલ ૩૭૦ રદ કરવાના પગલાંથી બ્રિટિશ રાજકારણમાં ઘેરાં વમળો સર્જાયાં છે. આના પ્રતિબિંબ લેબર પાર્ટીની બ્રાઈટન કોન્ફરન્સમાં કાશ્મીર ઠરાવ તેમજ જમ્મુ એન્ડ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF) જેવાં ‘ત્રાસવાદી સંગઠનો’ દ્વારા તે પાર્ટીને સમર્થનમાંથી જોઈ શકાય છે. કાશ્મીર અને આવાં ‘ત્રાસવાદી સંગઠનો’ના અસ્તિત્વ મુદ્દે પ્રશ્ન કરાતા જ્હોન્સને કહ્યું હતું કે કોઈ પણ રાજકીય પક્ષ માટે એક દેશની સરખામણીએ બીજા દેશની તરફેણ કરવી અયોગ્ય છે.
જ્હોન્સને કહ્યું હતું કે,‘અમે કોઈ પણ પ્રકારના ત્રાસવાદના વિરોધમાં છીએ અને તેને ઉખેડી ફેંકવા અમે બધું જ કરી છુટીશું. કાશ્મીર મુદ્દે આપણે સ્પષ્ટ થઈએ કે યુકે તેના આરંભથી જ ત્યાં હોવાની સમસ્યાનો સામનો કરે છે. આ અતિ મુશ્કેલ આંતરરાષ્ટ્રીય વિવાદ છે, જેને ઉકેલવા અમે અમારી ઐતિહાસિક ભૂમિકાના કારણે સક્ષમ હોઈએ તેમ હું માનતો નથી. અમે આશા રાખીએ કે બંને પક્ષ (ભારત અને પાકિસ્તાન) આ સમસ્યાનું નિરાકરણ લાવવા કાર્ય કરશે. હું માનું છું કે યુકે દ્વારા કોઈ પણ એકનો પક્ષ લેવાય અને એકની સરખામણીએ બીજાની તરફેણ કરાય તે સૌથી ખરાબ હશે. હું માનું છું કે લેબર પાર્ટીએ તેમના ઠરાવ દ્વારા આ મુદ્દે દેખીતા હસ્તક્ષેપની ભૂલ કરી છે’
ભારત-યુકેના સંબંધો વધુ મજબૂત કરવાના ડેવિડ કેમરનના વારસાને આગળ વધારનારા વડા પ્રધાન ગણાયેલા જ્હોન્સને ફરી ભારપૂર્વક બ્રેક્ઝિટ પછીના સમયમાં યુકે-ઈન્ડિયા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)ની વાટાઘાટના ઈરાદાને દર્શાવતા કહ્યું હતું કે, ‘અમે બહુપાંખી વાટાઘાટ પ્રક્રિયા આરંભીશું અને યુકે-ઈન્ડિયા FTAને વેળાસર હાથમાં લઈશું. ભારત પાસે વિશાળ તકો છે અને ભારત અમારા માટે તેના બજારો ખુલ્લા મૂકી શકે તેવા માર્ગો પણ છે. ’
ઈમિગ્રેશનઃ અમે કેટરિંગ ક્ષેત્રની જરૂરિયાત માટે કરી શેફ્સ લાવીશું
તાજેતરમાં બે વર્ષના પોસ્ટ-સ્ટડી વર્ક વિઝા દાખલ કરાવા સાથે યુકેની વિઝા સિસ્ટમમાં ઘણાં સુધારા થયા છે. આ પછી ૨૦૧૯ની છ ઓક્ટોબરે શોર્ટેજ ઓક્યુપેશન લિસ્ટને વિસ્તારવામાં આવ્યું જેનાથી ટિયર-ટુ સ્પોન્સર લાયસન્સ એમ્પ્લોયી અને ટિયર-ટુ જનરલ વિઝા માઈગ્રન્ટ્સ માટે સરળતા થઈ. આ ફેરફારો થકી યુકેમાં કુલ રોજગારના નવ ટકા હવે શોર્ટેજ ઓક્યુપેશન લિસ્ટમાં આવી જશે, જે અગાઉ કુલ રોજગારના માત્ર એક ટકાથી ઓછું હતું. ઘણાં એમ કહે છે કે કન્ઝર્વેટિવ પાર્ટી સમગ્રતયા ઈમિગ્રેશનવિરોધી છે, જે ખયાલ થેરેસા સરકારની હોસ્ટાઈલ એન્વિરોન્મેન્ટ પોલિસીના કારણે સર્જાયો હતો.
જોકે, જ્હોન્સન ભારપૂર્વક કહે છે કે,‘અમે વહેલી તકે બ્રેક્ઝિટ પાર પાડવા માગીએ છીએ તેનું એક કારણ અમારી ઈમિગ્રેશન પોલિસીમાં વાજબીપણું લાવી શકાય તે છે. ઉદ્યોગો અને સ્મોલ બિઝનેસીસ માટે જરુરી તમામ લોકો આ દેશમાં લાવી શકાય. અમે સમજીએ છીએ કે કરી હાઉસીસ, કેટરિંગ અને હોસ્પિટાલિટી સેક્ટરને વધુ શેફ્સની જરૂર છે અને અમારી ઓસ્ટ્રેલિટન પોઈન્ટ્સ આધારિત ઈમિગ્રેશન યોજના થકી તેમને લાવીશું. મૂળભૂત રીતે યુરોપિયન અને બિનયુરોપિયન દેશોમાંથી આવતા ઈમિગ્રન્ટ્સ સાથે વાજબી અને ન્યાયી વ્યવહાર ઈચ્છીએ છીએ. અમે સ્પષ્ટ કર્યું જ છે કે અમે ટિયર-ટુ વિઝા પ્રોસેસને ઝડપી બનાવી રહ્યા છીએ તેમજ અન્ય વધુ કેટેગરીઓ અને ઉદ્યોગોને સમાવવા તેનું વિસ્તરણ પણ કરીશું.’ અગાઉ, રેસ્ટોરાં અને ટેકઅવે સર્વિસ સાથેના અન્ય વેપારધંધા પર શેફ્સને સ્પોન્સર કરવા પર પ્રતિબંધ હતો. હવે આ નિયંત્રણ રહ્યું નથી અને હોસ્પિટાલિટી સેક્ટર માટે સરળતા વધી ગઈ છે. જોકે, હજુ પણ ફાસ્ટ ફૂડ અથવા સ્ટાન્ડર્ડ ફેર આફટલેટ્સ માટે શેફ્સ સ્પોન્સર કરી શકાતા નથી.
જોકે, લઘુ અને મધ્યમ કદના એશિયન બિઝનેસીસને નિશ્ચિંતતા પૂરી પાડવા અને બ્રિટિશ અર્થતંત્રને આધાર બાબતે બોરિસ તેમની મુખ્ય ‘ગેટ બ્રેક્ઝિટ ડન’ યોજના પર જ ભાર મૂકે છે. તેઓ કહે છે કે,‘ અર્થતંત્રની વર્તમાન હાલતમાં અચોક્કસતા દેખાય છે અને દરેક બ્રેક્ઝિટ થવાની રાહ જુએ છે. જો અમને બહુમતી સાથેની કન્ઝર્વેટિવ સરકાર મળશે તો અમે તે ચોક્કસ ૩૧ જાન્યુઆરીએ પૂર્ણ કરીશું. માત્ર બે જ ગાણિતિક વિકલ્પો છેઃ તમારી પાસે બહુમતી સાથેની કન્ઝર્વેટિવ સરકાર હોય અથવા ત્રિશંકુ પાર્લામેન્ટ હોય. જો ત્રિશંકુ પાર્લામેન્ટ હશે તો વધુ વિલંબ અને ઘૂંચવણ સર્જાશે. લેબર પાર્ટી સેકન્ડ રેફરન્ડમ કરાવવા માગે છે અને લિબરલ ડેમોક્રેટ્સ પોતાના જોરે સરકાર રચે અથવા ત્રિશંકુ પાર્લામેન્ટની હાલતમાં અમારી સાથે ગઠબંધન રચે તેવી શક્યતા નથી.’