લંડનઃ NHSના ફ્રન્ટલાઈન કર્મચારી સહિત ૨૦,૦૦૦થી વધુ હેલ્થકેર સ્ટાફે વડા પ્રધાન બોરિસ જ્હોન્સનને પત્ર લખી યોગ્ય સુરક્ષાકારી સાધનોની માગણી કરી છે. આ પત્રમાં NHSના ડોક્ટર્સ અને નર્સીસ સહિત ૧૦,૦૦૦થી વધુ કર્મચારીઓની સહી છે. આ સાધનોના પુરવઠાના અભાવે તેઓનું જીવન જોખમમાં મૂકાય છે.
NHSમાં સુરક્ષા માટે અભિયાનો ચલાવતા યુકેના ડોક્ટરોના સંગઠન ‘એવરીડોક્ટર’ના નેજા હેઠળ વડા પ્રધાન બોરિસ જ્હોન્સનને પત્ર લખવામાં આવ્યો છે જેમાં,હેલ્થકેર વર્ક્સ દ્વારા સલામતી સાધનોની તંગીની ફરિયાદ કરાઈ છે. NHSના ૧૦,૦૦૦ ડોક્ટર્સ અને નર્સીસ સાથે હેલ્થ કેર સ્ટાફ સહિત ૨૦,૦૦૦થી વધુ તબીબોએ આ નિવેદન પર હસ્તાક્ષર કર્યા છે. તેમાં જણાવાયું છે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની ગાઈડલાઈન્સ મુજબ કોવિડ-૧૯ના પેશન્ટ્સની સારવાર સમયે શું પહેરવું જોઈએ તેને NHSની કામગીરી સુસંગત કે કડક નથી. મોટા ભાગની નર્સીસ અને સોશિયલ કેર વર્કર્સને પ્લાસ્ટિક એપ્રન્સ, પેપર માસ્ક્સ અને ગ્લોવ્ઝ અપાય છે. સ્પેશિયાલિસ્ટ માસ્ક કે ગોગલ્સ તો અપાતા જ નથી. આવા સંજોગોમાં તેઓ સતત કોરોના વાઈરસના ચેપના જોખમમાં રહે છે.
ડેપ્યુટી ચીફ મેડિકલ ઓફિસર જેની હેરિસે સ્વીકાર્યું હતું કે સાધનોની વહેંચણીની સમસ્યા છે. જોકે, તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે મહામારીનો સામનો કરવા યુકે પાસે પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટનો પૂરતો જથ્થો છે. સરકારે જણાવ્યું છે કે માસ્ક્સ, ગ્લોવ્ઝ, એપ્રન્સ સહિતની આઈટમ્સ લાખોની સંખ્યામાં હોસ્પિટલોને મોકલાઈ છે અને આર્મી તેમાં મદદ કરી રહી છે. ચાન્સેલરે પણ જણાવ્યું છે કે વસ્ત્રો, વેન્ટિલેટર્સ અને વાઈરસ ટેસ્ટિંગ કિટ્સનો પુરવઠો સહેલાઈથી મળતો રહે તે માટે તેમના પર ઈમ્પોર્ટ ટેક્સ પણ નાબૂદ કરાયો છે.
વડા પ્રધાનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સરકાર પૂરા વજન સાથે અંગત સુરક્ષાકારી સાધનોનો પૂરવઠો આપવા પ્રયત્નશીલ છે અને તેમાં લશ્કરની સહાય પણ લેવાઈ છે.