લંડનઃ હાઉસીસ ઓફ પાર્લામેન્ટમાં 10 વર્ષથી વધુ સમય સેવા આપનારા દીર્ઘકાલીન કન્ઝર્વેટિવ પોલિટિકલ સહાયક શ્રી અમીત જોગીઆને પ્રતિષ્ઠિત પાર્લામેન્ટરી પીપલ્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ભારે સ્પર્ધા પછી અમીત જોગીઆએ લોર્ડ પોપટ ઓફ હેરો માટે કામ કરવા બદલ ‘બેસ્ટ પોલિટિકલ આઈડ’ એવોર્ડ જીતી લીધો હતો.
હેરોના અમીત લોર્ડ ડોલર પોપટના ‘જમણા હાથ’ તરીકે કોમ્યુનિટીમાં નામના ધરાવે છે. તેમણે પાર્લામેન્ટરી આસિસ્ટન્ટ તરીકે શરૂઆત કરી ચીફ ઓફ સ્ટાફના હોદ્દા સુધી પહોંચવામાં દિવસરાત કામગીરી બજાવી છે. અમીતે પોતાના કાર્યકાળ દરમિયાન ઈસ્ટ આફ્રિકામાં યુકેના વેપારને બમણો કરવાની લોર્ડ પોપટની ટ્રેડ એન્વોય તરીકેની ભૂમિકાને સતત ટેકો આપવા સાથે ઈન્ટરનેશનલ વિમેન્સ ડે અને પાર્લામેન્ટરી ચર્ચાઓ જેવી પહેલોમાં પણ અગ્ર ભૂમિકા ભજવી છે. મહામારીમાં લોર્ડ પોપટની ઈન્ડિયાઝ કોવિડ અપીલને મજબૂત ટેકો આપવા સહિત કોમ્યુનિટીના અનેક મુદ્દાઓને સપોર્ટ કરવામાં અમીત કારણભૂત રહ્યા છે.
લોર્ડ પોપટે 2012માં કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્ઝ ઓફ ઈન્ડિયા (CF India)ની સ્થાપના કરી ત્યારે તેમને ટેકો આપવામાં અમીત જોગીઆની મુખ્ય ભૂમિકા રહી હતી. તત્કાલીન વડા પ્રધાન ડેવિડ કેમરનના હસ્તે કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્ઝ ઓફ ઈન્ડિયા ગ્રૂપને લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પછી, CF India કન્ઝર્વેટિવ પાર્ટીના સૌથી વિશાળ મિત્રજૂથ તરીકે વિકસ્યું હતું અને અમીત તેના કો-ચેરમેન તરીકે કામગીરી બજાવવા સાથે લોર્ડ ડોલર પોપટના વારસાને આગળ વધારતા રહ્યા છે.
અમીત જોગીઆ છેક 2014થી હેરોમાં કાઉન્સિલર તરીકેની કામગીરી બજાવી રહ્યા છે અને પાર્લામેન્ટ માટે પણ તેમણે ઉમેદવારી નનોંધાવી હતી. હાઉસ ઓફ કોમન્સના સ્પીકર સર લિન્ડસે હોયેલના હસ્તે તેઓ જેના અધિકારી છે તેવો પાર્લામેન્ટરી એવોર્ડ એનાયત કરાવા સાથે અમીત જોગીઆની રાજકીય ક્ષેત્રની સેવાની કદર કરાઈ છે. આ સમારંભ લોકશાહીને જીવંત બનાવી રાખવામાં પાર્લામેન્ટેરિયન્સને સતત સમર્થન કરી રહેલા અમીત જેવા લોકોના પ્રયાસો અને સિદ્ધિઓની કદર કરવામાં મદદરૂપ બની રહે છે.