લંડનઃ લેબર નેતા જેરેમી કોર્બીને અમેરિકા સાથેના ખાસ સંબંધ અંગે શંકા વ્યક્ત કરતા જાહેરાત કરી હતી કે અમેરિકા બ્રિટનનું સૌથી મહત્ત્વનું સાથી નથી. મહિલાઓ, લઘુમતી અને અન્ય ધર્મના લોકો પર તેમના ‘અવિરત શાબ્દિક હુમલા’ બદલ કોર્બીને પ્રમુખ ટ્રમ્પની ટીકા કરી હતી.
અમેરિકી પ્રમુખે નવી અમેરિકન એમ્બેસીના ઉદઘાટન માટે લંડનની તેમની મુલાકાત રદ કરી હતી. બ્રિટિશ અધિકારીઓ મુજબ ‘સતત અપમાન’ને લીધે ટ્રમ્પે ‘અંગત કારણોસર’ તેમની મુલાકાત રદ કરી હતી. કોર્બીને આગાહી કરી હતી કે તે કોઈક તબક્કે યુકેની મુલાકાત લેશે. સત્તાવાર પ્રવાસ માટે ટ્રમ્પને આમંત્રણ અપાયું છે.
કોર્બીને જણાવ્યું હતું કે બ્રિટનને ઘણાં મહત્ત્વના સંબંધો છે. અમેરિકા સાથેના સંબંધ સાંસ્કૃતિક અને આર્થિક રીતે સૂચક અને મહત્ત્વના છે. તે ઉપરાંત અમારે ઈયુ જ નહીં પરંતુ ભારત અને ચીન સહિત વિશ્વના દેશો સાથે વેપારના સંબંધ છે અને તે મહત્ત્વના છે. યુનાઈટેડ નેશન્સ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથેના અમારા સંબંધ અગત્યના છે.
કોર્બીને ઉમેર્યું હતું કે યુનાઈટેડ નેશન્સ અને યુનેસ્કો જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને સમર્થન આપવામાં તેમની નિષ્ફળતા ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી સૌથી મોટી નિરાશા છે. ખાસ સંબંધમાં તેઓ માને છે કે કેમ તેવા પ્રશ્રના જવાબમાં કોર્બીને જણાવ્યું હતું કે ખાસ સંબંધની વ્યાખ્યા કરવામાં કોઈ સફળ રહ્યું તેવું તે માનતા નથી.
શેડો ફોરેન સેક્રેટરી એમીલી થોર્નબરીએ જણાવ્યું હતું કે ટ્રમ્પ યુકે આવે તેવું તેઓ ઈચ્છતા નથી. ગયા વર્ષે ટ્રમ્પને સત્તાવાર મુલાકાત માટે આમંત્રણ આપવામાં થેરેસા મેએ ઉતાવળ કરીને ક્વિનને મુંઝવણમાં નાંખ્યા હોવાનો પણ થોર્નબરીએ આક્ષેપ કર્યો હતો.