લંડનઃ ભારતના નાણાપ્રધાન અરૂણ જેટલી ૧૭ જાન્યુઆરીએ બ્રિટનની ૩ દિવસની મુલાકાતે આવી પહોંચ્યા હતાં. આ મુલાકાતનો મુખ્ય હેતુ બ્રિટિશ બિઝનેસીસને ભારતમાં રોકાણ કરવા આકર્ષવાનો છે. ભારતને ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ માટે આકર્ષક સ્થળ બનાવવા ભારત સરકારે લીધેલાં પગલાંને તેમણે હાઈલાઈટ્સ કર્યા હતાં. ભારતીય મૂળના અગ્રણી બિઝનેસમેન અને કેબિનેટ મિનિસ્ટર્સ સાથેનું પ્રતિનિધિ મંડળ લંડન આવી પહોંચતાં યુકેના ચાન્સેલર જ્યોર્જ ઓસબોર્ને તેમના માટે ભોજન સમારંભનું આયોજન પણ કર્યું હતું. જેટલીએ મંગળવાર સવારે લંડન સ્ટોક એક્સેન્જ ખાતે ઈન્વેસ્ટર્સ સમિટને સંબોધન કર્યું હતું. યસ બેન્ક અને લંડન સ્ટોક એક્સેન્જ ગ્રૂપ સાથે એમઓયુ કરવામાં આવ્યા હતાં. નાણાપ્રધાન જેટલીએ ભારતમાં રોકાણ કરવા માટે આતુર રોકાણકારો અને સંસ્થાઓ સાથે શ્રેણીબદ્ધ બેઠકો પણ યોજી હતી.
આ બેઠકમાં નિખિલ રાઠી (લંડન સ્ટોક એક્સેન્જ પીએલસીના સીઈઓ અને એલએસઈજીના ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ડિરેકટર), લોર્ડ ઓ’નીલ ઓફ ગેટલી(યુકે ટ્રેઝરીના કોર્મશિયલ સેક્રેટરી)ની સાથે યસ બેન્કના સીઈઓ અને સ્થાપક મેનેજીંગ ડિરેકટર ડો. રાણા કપૂર અને બ્લુ બેમાં ઇમર્જીંગ માર્કેટ્સ ડેટના સહ વડા પોલિના કુર્દીયાવકો પણ ઉપસ્થિત હતાં. ચાન્સેલર ઓસબોર્ન અને અરુણ જેટલીએ યુકે અને ભારત વચ્ચે આર્થિક સંબંધોને આગળ વધારતી સંખ્યાબંધ સમજુતીઓ પણ કરી હતી.
ભારતીય પ્રતિનિધિ મંડળમાં રીઝર્વ બેંકના ગર્વનર રઘુરામ રાજન, વીજ પ્રધાન પિયુષ ગોયેલ, વેપાર અને વાણિજ્ય પ્રધાન નિર્મળા સીતારામન, રાજ્યકક્ષાના નાણાપ્રધાન જયંત સિન્હા, અને આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન એન. ચંદ્રાબાબુ નાયડુનો સમાવેશ થયો હતો. આ સાથે મુકેશ અને અનિલ અંબાણી, સાયરસ મિસ્ત્રી, આનંદ મહિન્દ્રા, રાહુલ બજાજ, અઝીમ પ્રેમજી, અદી ગોદરેજ, ચંદા કોચર, ઉદય કોટક, અરુણધતી ભટ્ટાચાર્ય, નરેશ ગોયેલ, સુનિલ મિતલ, હરી એસ. ભરતીયા, શ્યામસુંદર ભરતીયા, રાણા કપૂર, અનંત ગુપ્તા અને સી.પી. ગુરનાની જેવા અગ્રણી ઉદ્યોગપતિ પણ સામેલ હતા.