લંડનઃ પ્રિન્સ ફિલિપ - રોયલ હાઈનેસ ડ્યૂક ઓફ એડિનબરાનું શુક્રવાર, ૯ એપ્રિલના રોજ ૯૯ વર્ષની પાકટ વયે નિધન થવા સાથે સમગ્ર યુકે શોકની ગર્તામાં ડૂબી ગયું છે. વિવાદો મધ્યે પ્રિન્સ હેરી પોતાના દાદાને આખરી વિદાય આપવા પરિવારની સાથે રહેવા યુએસથી આવી પહોંચ્યા છે. તેમની ફ્યુનરલ સર્વિસ બાબતે વિગતોને અંતિમ સ્વરૂપ અપાયું છે. કોવિડ નિયમોના ચૂસ્ત અમલ સાથે જાહેર દર્શન કે સરઘસ યોજાશે નહિ. બકિંગહામ પેલેસના સમર્થન અનુસાર તેમના અંતિમ સંસ્કાર ૧૭ એપ્રિલ, શનિવારે બપોર પછી માત્ર ૩૦ શોકાતુરોની ઉપસ્થિતિમાં વિન્ડસરના સેન્ટ જ્યોર્જ્સ ચેપલ ખાતે યોજાશે. રોયલ ફેમિલીનો સભ્ય હાજર રહી શકે તે માટે વડા પ્રધાન બોરિસ જ્હોન્સન ફ્યુનરલમાં સામેલ થવાના નથી. હંમેશાં લો પ્રોફાઈલ રહેવાનું પસંદ કરતા ડ્યૂકે આખરી ઈચ્છા તરીકે ફ્યુનરલ માટે કડક સૂચનાઓ રાખી છે.
શાહી જીવનસાથી (કોન્સોર્ટ) ડ્યૂકે સાત દાયકાના સપોર્ટ પછી બ્રિટિશ ઈતિહાસમાં સૌથી દીર્ઘ શાસન કરનારાં ક્વીન એલિઝાબેથ દ્વિતીયનો સાથ છોડ્યો છે. જીવનના ૯૦મા દાયકામાં પણ તેઓ પોતાના સખાવતી ઉદ્દેશોમાં રસ સાથે જાહેર સંપર્ક કાર્યક્રમોમાં સતત સક્રિય રહ્યા હતા. શનિવારે રાત્રે સર્વપક્ષી સમર્થન મળવાથી ધ મોલ ખાતે ડ્યૂકની પ્રતિમા મૂકીને સન્માન કરવાનો નિર્ણય લેવાયો છે.
મજબૂત નેતાની પાછળ મજબૂત કોમ્યુનિટી
બકિંગહામ પેલેસ દ્વારા નિવેદનમાં જણાવાયું હતું કે ક્વીને શોકાર્ત હૃદયે તેમના ૭૩ વર્ષના લગ્નજીવનના પ્રેમાળ સાથી અને ૬૯ વર્ષના શાસનમાં પ્રખર ટેકેદાર, તેમની તાકાત અને માર્ગદર્શક બની રહેલા પતિ પ્રિન્સ ફિલિપનું ૯ એપ્રિલની સવારે વિન્ડસર કેસલ ખાતે શાંતિપૂર્ણ નિધન થયું છે. પ્રિન્સ એન્ડ્રયુએ જણાવ્યું હતું કે ૯૪ વર્ષનાં ક્વીને ડ્યૂક ઓફ એડિનબરાના નિધનથી તેમના જીવનમાં ‘શૂન્યાવકાશ’ સર્જાયો હોવાનું કહ્યું હતું. પ્રિન્સ ફિલિપનું નિધન થયું ત્યારે ફરી હોસ્પિટલ નહિ જવાના વચન સાથે ક્વીન તેની પાસે જ હતાં.
ડેનિશ પ્રિન્સ તરીકે ઓળખાવાની ઈચ્છા રાખતા ડ્યૂક ઓફ એડિનબરાનો જન્મ ૧૯૨૧માં ગ્રીસના કોર્ફુમાં ગ્રીક રોયલ ફેમિલીમાં થયો હતો. તેઓ પ્રિન્સ એન્ડ્રયુ ઓફ ગ્રીસ એન્ડ ડેન્માર્ક અને પ્રિન્સેસ એલીસ ઓફ બેટેનબર્ગના પાંચમા સંતાન અને એક માત્ર પુત્ર હતા. તેમનો પરિવાર ડેનિશ એરિસ્ટોક્રસીમાંથી ઉતરી આવ્યો હતો અને ૧૮૬૩માં ગ્રીકની રાજગાદી પર આવ્યો હતો. ૧૯૨૨ના બળવા પછી શાહી પરિવારને દેશ છોડવાની ફરજ પડી હતી. તેમણે કદી ખુદ તાજ પહેર્યો નહિ પરંતુ, ક્વીનના જાહેર કાર્યક્રમોમાં ક્વીનની સાથે જ તેમની ‘તાકાત અને સ્થિરતા’ બનીને રહ્યા હતા અને તેઓ શાહી પરિવારના પ્રાઈવેટ હેડ તરીકે જાણીતા હતા.
બ્રિટિશ પ્રેસ પ્રિન્સ ફિલિપને રાષ્ટ્રવ્યાપી આદરાંજલિઓ સાથે એકસંપ થઇક્વીનના પડખે ઉભા રહ્યા હતા. કોવિડ નિયંત્રણો હોવાં છતાં, લોકો વિન્ડસર કેસલ અને બકિંગહામ પેલેસની બહાર પુષ્પાંજલિ અર્પણ કરવા એકત્ર થયા હતા.
કોમનવેલ્થ અને પ્રિન્સ ફિલિપ
કોમનવેલ્થના સેક્રેટરી જનરલ પેટ્રિસિયા સ્કોટલેન્ડ QCએ પ્રિન્સ ફિલિપના કોમનવેલ્થના પ્રદાનને યાદ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે,‘હિઝ રોયલ હાઈનેસે તેમણે ૧૯૫૬માં સ્થાપેલા કોમનવેલ્થ સ્ટડીઝ કોન્ફરન્સીસને અસાધારણ પ્રયોગ’ ગણાવ્યો હતો. કોમનવેલ્થ નાગરિકોની ભૂતકાલીન, વર્તમાન અને ભાવિ પેઢીઓ કોમનવેલ્થ પ્રતિ સતત અને મજબૂત પ્રતિબદ્ધતા બદલ પ્રિન્સ ફિલિપના ઋણી રહેશે.
પ્રિન્સ ફિલિપે ૧૯૫૬માં યુવાનો માટે ‘ધ ડ્યૂક ઓફ એડિનબરા એવોર્ડ્સ’ની સ્થાપના કરી હતી. અત્યાર સુધી આ એવોર્ડ્સ ૧૪૪ દેશોમાં ફેલાયા છે. વાસ્તવમાં ઈન્ટરનેશનલ એવોર્ડ ફોર યંગ પીપલ (IAYP) ભારતમાં કેમ્બ્રિજ સ્કૂલ્સના અભ્યાસક્રમોનો વ્યાપ વધારવા ‘ધ ડ્યૂક ઓફ એડિનબરા‘સ ઈન્ટરનેશનલ એવોર્ડ્સ’ એનાયત કરે છે.
આખરી દિવસો ‘લિલિબેટ’ સાથે વીતાવ્યા
પ્રિન્સ ફિલિપના નિધનથી સમગ્ર બ્રિટન અને ક્વીન સહિત રોયલ ફેમિલી આઘાતમાં સરી પડ્યા છે. એક સમયે પ્રિન્સ ફિલિપને પોતાની તાકાત ગણાવ્યા હતા. ડ્યૂક એક મહિનો હોસ્પિટલમાં વીતાવ્યા પછી ત્રણ સપ્તાહ અગાઉ જ વિન્ડસર કેસલમાં પરત ફર્યા હતા. ડ્યૂક ઓફ એડિનબરાએ તેમના આખરી દિવસો વિન્ડસર કેસલમાં પત્ની સાથે ગાળ્યા હતા જેમને તેઓ વહાલથી ‘લિલિબેટ’ નામે બોલાવતા હતા. તેમને ૧૬ માર્ચે હોસ્પિટલમાંથી રજા અપાઈ ત્યારે તેમનું સ્વાસ્થ્ય સારું હતું. આ પછી, ૯૪ વર્ષના ક્વીને શક્ય હોય ત્યાં સુધી ડ્યૂકની સાથે સમય ગાળવાનો પ્રયાસ કર્યો હતો.
શાહી દંપતીએ ગત નવેમ્બરમાં ૭૩મી લગ્નગાંઠ ઉજવી હતી. પ્રિન્સ ચાર્લ્સને પિતાના અવસાનના આઘાતજનક સમાચાર તેમના અને કેમિલ્લાની ૧૬મી લગ્નગાંઠના દિવસે સાંભળવા મળ્યા હતા. વડા પ્રધાન બોરિસ જ્હોન્સન, લેબર પાર્ટીના નેતા સર કેર સ્ટાર્મર સહિતના રાજકીય નેતાઓએ દિવંગત પ્રિન્સ ફિલિપને શ્રદ્ધાંજલિ અર્પી હતી. યુકે અને કોમનવેલ્થ દેશોમાં રાષ્ટ્રધ્વજોને અર્ધી કાઠીએ ફરકાવાયા હતા.
વિન્ડસર કેસલમાં રહેતાં ક્વીન હવે આઠ દિવસના શોકના સમયમાં રહેશે. તેઓ ખાનગી કે સરકારી સહિત કોઈ પણ ફરજો બજાવશે નહિ, કાયદાઓને શાહી મંજૂરી આપવામાં આવશે નહિ અને સરકારી કામકાજ પણ અટકી જશે.
શાહી પરિવારમાં તમામ જન્મો, લગ્નો અને મૃત્યુમાં થાય છે તેમ પ્રિન્સ ફિલિપના નિધનને જાહેર કરતી નોટિસ બકિંગહામ પેલેસની બહાર લગાવાઈ હતી. શોકમાં ભાગીદાર બનવા નાગરિકોએ વિન્ડસર કેસલની બહાર પુષ્પાંજલિઓ અર્પણ કરી હતી.
પ્રિન્સ હેરી અને મેગને યુકે પહોંચ્યા
પ્રિન્સ હેરી અને મેગન મેગન મર્કેલે પોતાની વેબસાઈટ ‘આર્ચવેલ ફાઉન્ડેશન’ પર પ્રિન્સ હેરીના દાદા પ્રિન્સ ફિલિપને શ્રદ્ધાંજલિ અર્પી હતી. ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સે જણાવ્યું હતું કે, ‘તમારી સેવાઓ બદલ આભાર... તમારી ભારે ખોટ જણાશે.’ સસેક્સ દંપતીની ‘આર્ચવેલ ફાઉન્ડેશન’ વેબસાઈટ કામચાઉ બંધ રાખી છે અને તેના પર બે લાઈનનો શોકસંદેશ મૂકવામાં આવ્યો છે. પ્રિન્સ હેરીએ પિતા પ્રિન્સ ચાર્લ્સ તેમજ બિટ્રીસ અને યુજિન સહિત પરિવારના સીનિયર સભ્યો સાથે વાતચીત કરી હતી.
પ્રિન્સ હેરી તેમની હંમેશાં નિકટ રહેલા દાદાના ફ્યુનરલમાં હાજરી આપવા માર્ચ ૨૦૨૦ પછી પ્રથમ વખત યુકે આવી પહોંચ્યા હતા. માતા પ્રિન્સેસ ડાયનાના ૧૯૯૭માં મોત પછી પ્રિન્સ ફિલિપની બંને ભાઈ - પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હેરીના જીવનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. જોકે, સગર્ભા મેગન પતિની સાથે જોડાશે નહિ તે નિશ્ચિત છે.