લંડનઃ અલ્ઝાઇમરની સારવાર માટે વિકસાવાયેલી નવી દવાના બ્રિટનમાં ઉપયોગ માટે ટૂંકસમયમાં મંજૂરી અપાશે. જાપાનિઝ કંપની દ્વારા વિકસાવાયેલી આ દવા અલ્ઝાઇમરને પ્રારંભિક તબક્કામાં જ નિયંત્રિત કરે છે. મેડિસિન એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી મંજૂરી પહેલાં દવાની સમીક્ષા કરી રહી છે. મંજૂરી બાદ આ દવાને બ્રિટનમાં ડોક્ટર દ્વારા પ્રિસ્ક્રાઇબ કરી શકાશે.
જાપાનિઝ કંપનીની આ દવા લેકેમ્બીને ગયા વર્ષે અમેરિકામાં મંજૂરી અપાઇ હતી. તે અલ્ઝાઇમર માટે જવાબદાર બ્રેઇન પ્રોટીન અમિલોઇડને દૂર કરે છે. જોકે કેટલાક નિષ્ણાતોએ જણાવ્યું છે કે કેટલાક દર્દીમાં આ દવાના કારણે મગજમાં સોજો અથવા તો રક્તસ્ત્રાવ જેવી આડઅસર જોવા મળી શકે છે.
આ દવા એનએચએસ દ્વારા આપવી કે કેમ તે અંગે એજન્સીને નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ હેલ્થ એન્ડ કેર એક્સલન્સ દ્વારા સલાહ આપવામાં આવી રહી છે. એજન્સીએ જણાવ્યું હતું કે, અમે આ દવાની અલ્ઝાઇમર પર કેવી અસર થાય છે તેની વ્યાપક ચકાસણી કરી રહ્યાં છીએ.
જાપાનની દવા કંપની એઇસાઇ અને બાયોટેકનોલોજી કંપની બાયોજેન દ્વારા આ દવા વિકસાવવામાં આવી છે.
અલ્ઝાઇમરની વંડર ડ્રગ એનએચએસમાં ઉપલબ્ધ નહીં બને
જાપાનિઝ કંપની દ્વારા વિકસાવાયેલ અલ્ઝાઇમરની સારવાર માટેની દવા એનએચએસમાં ઉપલબ્ધ કરાવાશે નહીં. સત્તાવાળાઓએ આ દવાનો ખર્ચ પરિવારો પર નાખવાનો ઇનકાર કરી દીધો છે. નેશનલ ઇન્સ્ટિટ્યુટ ફોર હેલ્થ એન્ડ કેર દ્વારા એનએચએસમાં કઇ દવા આપવામાં આવે તેનો નિર્ણય લેવાય છે. તેના જણાવ્યા અનુસાર આ દવા તેની કિંમત પ્રમાણે યોગ્ય નથી.