લંડનઃ અલ્ઝાઈમર્સથી પીડાતા દર્દીઓમાં મગજને થતું નુક્સાન LMTX અથવા LMTM તરીકે ઓળખાયેલી એક દવા લેવાથી અટકી ગયું હોવાનું વૈજ્ઞાનિકોએ જાહેર કર્યું હતું. કેટલાક દર્દીઓમાં ૧૮ મહિના સુધી આવું નુક્સાન અટકી ગયું હતું. પરિણામોને આ રોગની અસરકારક સારવાર ટૂંક સમયમાં જ શક્ય હોવાના સૌથી મજબૂત સંકેત માનવામાં આવે છે. સંશોધકોએ જણાવ્યું હતું કે દિવસમાં બે વખત ટેબ્લેટના સ્વરૂપે લેવાની આ દવા ટૂંક સમયમાં જ અલ્ઝાઈમરને લાંબા સમય સુધી દૂર રાખવાની પ્રથમ દવા બની જશે.
છેલ્લા તબક્કાના પરીક્ષણમાં પહેલા તો આ દવા નિષ્ફળ રહી હોય તેમ લાગતું હતું કારણ કે ડિમેન્શીયાની અન્ય દવાઓ લેતા દર્દીઓ પર તેની કોઈ જ અસર થઈ નહોતી. જોકે, અન્ય દવા ન લેતા ૮૯૧ પૈકી ૧૫ ટકા દર્દીઓમાં તેની અસાધારણ અસર થઈ હતી. આ દર્દીઓમાં ૧૮ મહિના સુધી યાદશક્તિ કે રોજીંદુ કામ કરવાની ક્ષમતામાં ઘટાડો થયો ન હતો.
ટોરન્ટોમાં અલ્ઝાઈમર્સ એસોસિએશન ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે આ દર્દીઓના મગજના મુખ્ય ભાગ અન્ય દર્દીઓની સરખામણીમાં એક તૃતિયાંશ ઓછા સંકોચાયા હતા. પરિણામ રજૂ કરતા મેક ગિલ યુનિવર્સિટીના ડો. સર્જ ગોથિએરે જણાવ્યું હતું કે મગજને નબળું થતું અટકાવવામાં LMTX અથવા LMTM તરીકે ઓળખાતું એક ડ્રગ મદદરૂપ થયું હોય તેવું આ પ્રથમ વખત બન્યું છે.