લંડનઃ સુપરમાર્કેટ ચેઇન અસદાનો ગ્રોસરી માર્કેટમાં હિસ્સો મોટા પ્રમાણમાં ઘટી રહ્યો હોવાના કારણે તેના માલિકો પર પ્રચંડ દબાણ સર્જાયું છે. આ ઉનાળાના 10 ઓગસ્ટ સુધીના 3 મહિનામાં અસદાના ગ્રોસરી વેચાણમાં 6.4 ટકાનો ઘટાડો નોંધાયો છે. જેના પગલે કંપનીને બે બિલિયન પાઉન્ડ જેટલી મોટી આવકની ખોટનો સામનો કરવો પડી રહ્યો છે. દેશની પરંપરાગત ચાર મોટી સુપરમાર્કેટ ચેઇન પૈકી ફક્ત અસદાના વેચાણમાં જ ઘટાડો નોંધાયો છે.
વેચાણમાં ઘટાડાના પગલે અસદાના સૌથી મોટા શેર હોલ્ડર મોહસિન ઇસા પર દબાણ વધી ગયું છે. અસદાના ચેરમેન લોર્ડ સ્ટુઅર્ટ રોઝે મોહસિન ઇસાને પાછા હટી જવા જણાવ્યું છે. રોઝે જણાવ્યું હતું કે, કંપનીની કામગીરી હતાશાજનક છે. ઇસા આગામી ઓટમમાં પીછેહઠ કરે તેવી સંભાવના છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર 1980ના દાયકાથી માર્કેટ પર કબજો જમાવનાર અસદાના માર્કેટ શેરમાં સતત ધોવાણ થઇ રહ્યું છે. આગામી મહિનાઓમાં કંપની મોટા સુધારા નહીં કરે તો તેના વેચાણમાં વધુ નીચી સપાટી જોવા મળે તેવી સંભાવના છે.