લંડનઃ અસાધ્ય અને ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓને 3 સપ્તાહમાં પોતાના જીવનનો અંત આણવાની પરવાનગી આપતું આસિસ્ટેડ ડાઇંગ બિલ સોમવારે પ્રસિદ્ધ કરાયું હતું. લેબર સાંસદ કિમ લીડબીટર દ્વારા રજૂ કરાયેલા આ ખરડાની જોગવાઇ અનુસાર વ્યક્તિ પોતાના જીવનનો અંત આણવા માટેના માપદંડો પૂરા કરે છે કે કેમ તે નક્કી કરવા માટે બે સ્વતંત્ર ડોક્ટરનો અભિપ્રાય ફરજિયાત રહેશે. ત્યારબાદ એક જજ બેમાંથી ઓછામાં ઓછા એક ડોક્ટર પાસેથી પુરાવા હાંસલ કરીને ગંભીર બિમારીથી પીડાતા વ્યક્તિની પૂછપરછ કરશે. ત્યારબાદ જ તેને જીવનનો અંત આણવાની પરવાનગી અપાશે.
ખરડાની જોગવાઇ પ્રમાણે દર્દીનું મોત અત્યંત જરૂરી ન હોય તો આ પ્રક્રિયા પૂરી કરવામાં ઓછામાં ઓછા 3 સપ્તાહનો સમય લેવાશે. તે ઉપરાંત બે ડોક્ટરના એસેસમેન્ટ વચ્ચે ઓછામાં ઓછા 7 દિવસનો ગાળો રાખવો પડશે તેમજ જજના નિર્ણય બાદ પણ વ્યક્તિના મોત માટે 14 દિવસ રાહ જોવાશે. આ ખરડા પર હાઉસ ઓફ કોમન્સમાં 29 નવેમ્બરના રોજ મતદાન યોજાવાનું છે. તેમાં દરેક પાર્ટીએ તેમના સાંસદોને કોઇ વ્હિપ જારી ન કરતાં પોતાના અંતરાત્માના અવાજ પ્રમાણે મતદાન કરવા જણાવ્યું છે.
ઇંગ્લેન્ડ અને વેલ્સમાં આસિસ્ટેડ ડાઇંગને કાયદેસર બનાવતો ઐતિહાસિક ખરડામાં સુરક્ષાની આકરી જોગવાઇ કરાઇ છે. બળજબરી માટે જેલની લાંબી સજાની જોગવાઇની સાથે જજને દર્દીની અંતરાત્માની ઇચ્છા જાણવાની સત્તાની પણ જોગવાઇ કરાઇ છે.