લંડનઃ ભારતના રાષ્ટ્રપતિના પૂર્વ પ્રેસ સેક્રેટરી અશોક મલિકે બ્રેક્ઝિટ, ભારતના અર્થતંત્ર, ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC) અને કાશ્મીર મુદ્દે ચગેલી કાગારોળ સહિતના મુદ્દાઓ પર ઈન્ડિયા ઈન્કના સ્થાપક અને સીઈઓ મનોજ લાડવા સાથે ખુલ્લા દિલે વાતચીત કરી હતી. લંડનસ્થિત ભારતીય હાઈ કમિશન અને ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI) યુકે દ્વારા અશોક મલિક સાથે ‘ફાયરસાઈડ ચેટ’નું બુધવાર, ચોથી સપ્ટેમ્બરે આયોજન કરવામાં આવ્યું હતું. આ વેળાએ ‘Resurgent India: What it means for Indian Business & Diaspora in the UK’ પ્રવચન પણ અપાયું હતું.
અશોક મલિક ભારતના સામાજિક-આર્થિક પોતને વળગેલી સમસ્યાઓનું વિશ્લેષણ કરતા સ્વતંત્ર ફોરમ ‘ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન (ORF)’ના પ્રતિભાવંત ફેલો છે. બ્રિટિશ રાજકારણની મર્મભેદી પળો, જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં આર્ટિકલ ૩૭૦ની નાબૂદી પછીના સમયગાળામાં તેઓ યુકેની મુલાકાતે આવ્યા હતા. લંડનસ્થિત ભારતીય હાઈ કમિશન પર તાજેતરના હુમલાઓ પછી યુકેમાં સ્થાયી ડાયસ્પોરા સમુદાયો વચ્ચે તંગદિલી સર્જાઈ હતી. બે પ્રસંગોએ શાંતિપૂર્ણ વિરોધ હિંસક ટોળાંશાહી અને જાહેર મિલકતોને નુકસાનમાં ફેરવાઈ ગયાં હતાં. ભારતની સ્વતંત્રતાના દિવસની ઉજવણી દરમિયાન ખાલિસ્તાની, પાકિસ્તાની અને આઝાદ કાશ્મીરી જૂથો દ્વારા કરાયેલી હરકતો સામે ભારતીય સમુદાયના કેટલાંક લોકોએ સલામતીની માગણી કરવી પડી હતી.
મલિકે કહ્યું કે, કોઈ પણ લોકશાહીમાં લોકોને શાંતિપૂર્ણ વિરોધ કરવાનો અધિકાર છે. જો પાકિસ્તાનીઓને દિલ્હીની કાર્યવાહી સામે વિરોધ હોય તો તેઓ કોઈ વ્યક્તિને નુકસાન ન થાય તે રીતે દેખાવો યોજી શકે છે. તેમને રાજદ્વારી કે જાહેર પ્રોપર્ટીને નુકસાન કરવાનો અધિકાર નથી. ભારતીય મૂળના બ્રિટિશ નાગરિકો સહિત અન્ય સમુદાયો સામે ઘૃણા સર્જાય તેવા સૂત્રોચ્ચાર કે એક્શન લેવાનો પણ હક નથી. આવી ઘટનાઓ ભારત સરકાર માટે ચિંતાજનક છે.
જમ્મુ અને કાશ્મીરના પાકિસ્તાનના કબજા હેઠળના વિસ્તારોની ચિંતા વિશે વાત કરતા મલિકે ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરની વાત પણ છેડી હતી. તેમણે આ વિસ્તારોમાં સલામતી, લશ્કરી આને સામાજિક-રાજકીય મુશ્કેલીઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘અત્યારે જે વિસ્તારોમાં ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરનું બાંધકામ કરાઈ રહ્યું છે તે ભારત સરકાર માટે ભારે ચિંતાનો વિષય છે. આર્થિક અને લશ્કરી દૃષ્ટિએ ચિંતાજનક વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રકચર થઈ રહ્યું છે. લંડન માટે CPEC આદર્શ હોઈ શકે પરંતુ, કાયદેસર ભારતમાં રહેલા વિસ્તારોમાં તેનું નિર્માણ થતું હોવાથી ભારતીય પ્રદેશમાં આ દેશોની શત્રુતાપૂર્ણ અને બિનમૈત્રીપૂર્ણ હાજરી તરફ દોરી જઈ શકે છે.’
બ્રિટિશ રાજકારણ બ્રેક્ઝિટના વર્તમાન મુદ્દે મડાંગાંઠમાં ફસાયું છે તેના વિશે મલિકે જણાવ્યું હતું કે આ મહાન જુગાર ખેલવાનો જ યુગ છે અને જો બોરિસ જ્હોન્સન તેમના યોગ્ય પાના સારી રીતે ખેલશે તો યુકે જરા પણ હાનિ વિના વિજેતા બનીને ઈયુમાંથી બહાર નીકળી શકશે. તેમણે ભારત અને યુકેના દ્વિપક્ષી સંબંધો વિશે ભારપૂર્વક કહ્યું હતું કે ભારતનું અર્થતંત્ર ઈલેક્ટ્રોનિક્સ, ડિફેન્સ અને આઈટી સહિતના ઉત્પાદન ક્ષેત્રોમાં વિકસી રહ્યું છે. જેના પરિણામે વૈશ્વિક મંદીનું વાતાવરણ હોવાં છતાં, ભારત ઉભરતું અર્થતંત્ર બની શક્યું છે.