લંડનઃ સપ્તાહાંતમાં વેસ્ટ લંડનમાં આયોજિત નોટિંગ હીલ કાર્નિવલમાં અપરાધીઓ દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો. મેટ્રોપોલિટન પોલીસે જણાવ્યું હતું કે, કાર્નિવલમાં આચરાતા અપરાધોથી તે કંટાળી ચૂકી છે. ઇવેન્ટમાં થયેલી છૂરાબાજીમાં એક મહિલા સહિત 8 વ્યક્તિને ઇજા પહોંચી હતી. જેમાંથી ત્રણને ગંભીર ઇજા થઇ હતી. એક વ્યક્તિ પર કોરોસિવ સબસ્ટન્સ દ્વારા હુમલો કરાયો હતો. કાર્નિવલ ખાતે પોલીસના 35 અધિકારીને ઇજા પહોંચી હતી. ઇવેન્ટમાં સેક્સ્યુઅલ હુમલાની આઠ ઘટના, ઇમર્જન્સી વર્કર પર હુમલાની 37 ઘટના સહિત ચોરી અને માદક દ્રવ્યો રાખવા તથા વેચવા સહિતના અપરાધો નોંધાયા હતા. પોલીસે આ અપરાધોના સંદર્ભમાં 334 લોકોની ધરપકડ કરી હતી.
ડેપ્યુટી આસિસ્ટન્ટ કમિશ્નર એડ એડલેકને જણાવ્યું હતું કે, મારા અધિકારીઓ કાર્નિવલમાં અપરાધોથી કંટાળી ગયા હતા. અમે દર વર્ષે એક જ પ્રકારના નિવેદન આપીને થાકી ગયાં છીએ. તમારા પરિવારજનને ગંભીર ઇજા થઇ છે તેવી માહિતી પરિવારોને આપીને પણ અમે થાકી ગયાં છીએ. કાર્નિવલ એક સામુદાયિક કાર્યક્રમ છે જેમાં લોકો આનંદ કરવા આવતા હોય છે. પરંતુ દર વર્ષે આ કાર્નિવલમાં થતી હિંસા તેના મૂળ હેતૂને બરબાદ કરી નાખે છે.