આંખની તપાસથી ડિમેન્શીયાની વહેલી તકે જાણ થઈ શકે!

Saturday 30th July 2016 06:31 EDT
 
 

લંડનઃ આંખોની તપાસ કરાવવાથી ડિમેન્શીયા હોય તો તેની વહેલી તકે ખબર પડે તેમ બ્રિટિશ અભ્યાસમાં જણાયું છે. આંખોની પાતળી બનેલી નસો મગજમાં તકલીફ અંગે ડોક્ટરને સચેત કરી શકે છે. ડિમેન્શીયાના પ્રારંભિક તબક્કામાં જ જાણ થાય અને યોગ્ય સારવાર કરી શકાય. ડોક્ટરો ડિમેન્શીયાને અટકાવી શકે નહિ, પરંતુ લક્ષણો ગંભીર બને તે પહેલા સારવાર અપાય તો ખરાબ અસરો ટાળવાની તક મળી રહે.

આ પ્રકારના સૌથી મોટા અભ્યાસમાં લંડનસ્થિત મૂરફિલ્ડ્સ આઈ હોસ્પિટલના સંશોધકોએ આંખની પાછળના પ્રકાશ સંવેદી ભાગ રેટિનામાં નસોના રેસાના પડની જાડાઈ માપવા રુટિન સ્કેનનો ઉપયોગ કર્યો હતો. ૩૩,૦૦૦ લોકોનો ડેટાના વિશ્લેષણ બાદ જણાયું હતું કે જે લોકોએ તર્કશાસ્ત્ર અને યાદશક્તિ સંબંધિત પાંચ ટેસ્ટમાં ખૂબ નબળો દેખાવ કર્યો હતો તેમનામાં આ પડ ખૂબ પાતળા હતા.

ટોરન્ટોમાં અલ્ઝાઈમર્સ એસોસિએશન ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે વધારાના દરેક ટેસ્ટમાં નિષ્ફળ દર્દીઓના રેટિનલ નર્વ ફાઈબર એક માઈક્રોમીટર વધુ પાતળા હતા. તેમાંના ૧,૨૦૦થી વધુ દર્દીની ત્રણ વર્ષ બાદની તપાસમાં જણાયું હતું કે જે દર્દીના પડ સૌથી પાતળા હતા તેમની વૈચારિક શક્તિ ખૂબ ઝડપથી કથળી હતી.

અભ્યાસનું નેતૃત્વ કરનારા ફાંગ કોએ જણાવ્યું હતું કે જે પ્રક્રિયા મગજને અસર કરતી હોય તે આંખની નસોના ટીસ્યુને પણ અસર કરતી હશે તેવી શંકા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter