લંડનઃ સ્ટાર્મર સરકાર આગામી વર્ષે ચિલ્ડ્રન વેલબિઇંગ બિલ લાવવાની તૈયારી કરી રહી છે. જે અંતર્ગત ઇંગ્લેન્ડની તમામ પ્રાથમિક શાળાઓમાં બાળકોને વિનામૂલ્યે નાસ્તો અપાશે. તે માટે પ્રાથમિક શાળાઓમાં બ્રેકફાસ્ટ ક્લબ શરૂ કરાશે. લેબર પાર્ટીએ તેના ચૂંટણી ઢંઢેરામાં આ વચન આપ્યું હતું. સરકારનું કહેવું છે કે ફ્રી બ્રેકફાસ્ટના કારણે બાળકો શાળામાં વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશે. આ યોજના દ્વારા ગરીબી સામેની લડાઇમાં મોટું યોગદાન મળી રહેશે અને પરિશ્રમ કરતાં વાલીઓના દર વર્ષે 400 પાઉન્ડ બચશે.
ઘણા વાલીઓને તેમના રોજગાર અને બાળકોની વચ્ચે દરરોજ સંતુલન સાધવું પડે છે જેના કારણે તેમના તણાવમાં વધારો થતો હોય છે. ફ્રી બ્રેકફાસ્ટ યોજના તેમના પરના દબાણ અને તણાવમાં ઘટાડો કરશે તેવો દાવો સરકાર દ્વારા થઇ રહ્યો છે.
જે પરિવારો શાળા પહેલાં ચાઇલ્ડ કેર પર આધાર રાખે છે તેમને વધુ લાભ થશે. સવારના સમયમાં ચાઇલ્ડ કેરની જરૂર ન રહેવાના કારણે આ વાલીઓ વર્ષે 2000 પાઉન્ડની બચત કરી શકશે. લેબર સરકારે 2028-29 સુધીમાં બ્રેકફાસ્ટ ક્લબ માટે 315 મિલિયન પાઉન્ડની ફાળવણીનું લક્ષ્યાંક રાખ્યું છે.
સરકારના નિર્ણયને કારણે 2025ના સમરમાં શાળાઓને વિદ્યાર્થીઓ માટે ફ્રી બ્રેકફાસ્ટ ક્લબ શરૂ કરવાની પરવાનગી મળી રહેશે. આ એક વ્યાપક યોજના હોવાના કારણે તેનો વિસ્તાર પ્રમાણે તબક્કાવાર અમલ શરૂ કરવામાં આવશે.