આગામી ઊનાળામાં પાણીની અછત સર્જાવાની ચેતવણી

જનતાએ હોસપાઇપ પર પ્રતિબંધનો સામનો કરવો પડશે

Tuesday 02nd April 2024 12:09 EDT
 

લંડનઃ આગામી ઊનાળામાં યુકેમાં ફરી એકવાર પાણીની અછત સર્જાવાની વૈજ્ઞાનિકોએ ચેતવણી ઉચ્ચારી છે. જો આ ઊનાળો ગરમ અને સૂકો રહેશે તો જનતાને પાણીની અછત અને હોસપાઇપ પર પ્રતિબંધનો સામનો કરવો પડશે.

વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે યુકેમાં પાણીનો સંગ્રહ યોગ્ય રીતે કરાતો નથી. દેશ હંમેશા વરસાદી પેટર્ન પર જ આધારિત રહ્યો છે. પર્યાવરણમાં બદલાવને કારણે વરસાદી પેટર્નમાં પણ સતત બદલાવ થઇ રહ્યો છે. છેલ્લા 3 દાયકામાં દેશમાં એકપણ નવું જળાશય તૈયાર કરાયું નથી. નદીઓને એવી રીતે તૈયાર કરાઇ છે જેથી પાણીનો પ્રવાહ ઝડપથી વહે તેના કારણે શહેરો અને નગરોમાં પૂરની સ્થિતિ સર્જાય છે. ઘણા વેટલેન્ડમાં પાણી સૂકાઇ ગયાં છે, તેના પર ખેતી કરાય છે અથવા તો ઇમારતો બાંધી દેવામાં આવી છે. તેના કારણે શિયાળા દરમિયાન યુકેમાં જે પાણી વરસે છે તેનો યોગ્ય રીતે સંગ્રહ થઇ રહ્યો નથી.

એન્વાયરમેન્ટ એજન્સીએ ચેતવણી ઉચ્ચારી છે કે આગામી વર્ષોમાં પાણીની અછતમાં વધારો થશે. 2050 સુધીમાં પ્રતિ દિવસ 5 બિલિયન લિટર પાણીની અછત ઊભી થશે.

લંડનની એક રેસ્ટોરન્ટ પાણીની એક બોટલની કિંમત 60 પાઉન્ડ વસૂલે છે

પાણીની અછતની અસરો પાણીની બોટલની કિંમતો પર પણ વર્તાઇ રહી છે. લંડનની કેટલીક મોટી રેસ્ટોરન્ટોમાં તો પાણીની બોટલના 60 પાઉન્ડ વસૂલવામાં આવી રહ્યાં છે. સામાન્ય રીતે બહાર જમવા જતા લંડનવાસીઓને પાણીની બોટલ માટે 7 પાઉન્ડ ચૂકવવા પડે છે પરંતુ એક મોટી રેસ્ટોરન્ટ દ્વારા 10 ગણી કિંમત વસૂલવામાં આવી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter