લંડનઃ જુલાઇ મહિનામાં વડાપ્રધાન બન્યા બાદ 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતેથી રાષ્ટ્રજોગ સંદેશમાં સર કેર સ્ટાર્મરે ચેતવણી આપી હતી કે 30મી ઓક્ટોબરે રજૂ થનારું બજેટ કરવેરામાં વધારાના કારણે પીડાદાયક બની રહેશે. અમારી સામે જે પરિસ્થિતિ છે તેમાં કરવેરા વધારવા સિવાય અમારી પાસે અન્ય કોઇ વિકલ્પ નથી. અમારે સામાન્ય જનતાની ઘણી અપેક્ષાઓ પૂરી કરવાની છે.
શું તમે નોકરીયાતો પરનો ટેક્સ વધારશો કે વેલ્થ ટેક્સ તેવા સવાલના જવાબમાં સ્ટાર્મરે જણાવ્યું હતું કે, મેં ચૂંટણી પ્રચારમાં જણાવ્યું હતું તેમ અમે નોકરીયાતો, આવકવેરા, વેટ કે નેશનલ ઇન્શ્યુરન્સમાં કોઇ વધારો કરીશું નહીં. થોડા જ સપ્તાહોમાં બજેટ આવી જશે અને તમને વિગતવાર માહિતી મળી જશે.
તેમણે જણાવ્યું હતું કે દેશના અર્થતંત્ર માટે લાંબાગાળાના લાભ અર્જિત કરવા માટે બજેટમાં ટૂંકાગાળાની પીડા યોગ્ય ગણાશે. આ આપણો દેશ છે, આવો આપણે સાથે મળીને તેની સમસ્યાઓનો ઉકેલ લાવીએ.
તેમણે જણાવ્યું હતું કે, ટોરી સરકારો દ્વારા સર્જાયેલી અંધાધૂંધીને અમારે દૂર કરવાની છે. અમે કલ્પના કરી હતી તેના કરતાં સ્થિતિ ઘણી બદતર છે. ટોરી સરકારોએ 22 બિલિયન પાઉન્ડનો ખાડો પાડ્યો છે. આર્થિક વૃદ્ધિ અને સંપત્તિનું સર્જન મારી સરકારની પહેલા નંબરની પ્રાથમિકતા છે. ટોરી સરકારો છેલ્લા 7 વર્ષમાં ન કરી શકી તે અમે 7 સપ્તાહમાં કરી બતાવ્યું છે.
ફાર રાઇટ્સ રમખાણોએ બીમાર સમાજની પોલ ખોલી નાખી છેઃ સ્ટાર્મર
સ્ટાર્મરે ફાર રાઇટ્સ રમખાણોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, આ રમખાણોએ આપણા બીમાર સમાજની પોલ ખોલી નાખી છે. મુઠ્ઠીભર તોફાનીઓ એમ માનતા હતા કે તેઓ અંધાધૂધી સર્જીને, સમુદાયો પર હુમલા કરીને, લઘુમતીઓને ભયભીત કરીને જાહેર સંપત્તિઓને નુકસાન પહોંચાડીને, લોકોને જીવતા સળગાવવાનો પ્રયાસ કરીને પણ કાયદાના શાસનથી બચી જશે. પરંતુ હવે તેમને પાઠ શીખવા મળ્યો છે કે તેમના અપરાધોના કેવા પરિણામ આવી શકે છે. હું કોઇપણ સંજોગોમાં કાયદો અને વ્યવસ્થામાં ભંગાણ સહન કરીશ નહીં. પીડિત પરિવારોના નામે તોફાન કરતા અને સ્થાનિક સમુદાયોનું અપમાન કરનારાનું હું સાંભળીશ નહીં.