લંડનઃ આતંકી જૂથ ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ ધ લેવન્ટ (IsilL) સાથે જોડાવા માટે સાથી ડોક્ટરોને અનુરોધ કરતા ૨૦૧૫માં જારી થયેલા પ્રચાર વીડિયોમાં ચમકેલા સાઉથ લંડનના કાર્શેલ્ટનના ૨૫ વર્ષીય મેડિકલ સ્ટુડન્ટ એહમદ સામી ખેદર તેમજ બ્રિટનમાં જન્મેલા અન્ય મેડિકલ સ્ટુડન્ટ હિશામ ફદલ્લાહ પોતાના કાફલા સાથે ઉત્તર ઈરાકમાં મોસુલ છોડી રહ્યા હતા ત્યારે ઈરાકી દળો દ્વારા કરાયેલા ભીષણ ગોળીબારમાં માર્યા ગયા હતા.
સુદાનના ખાર્તુમની યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (UMST)માં જુલાઈ, ૨૦૧૪માં ગ્રેજ્યુએશન પૂરું કર્યાના આઠ મહિના પછી ખેદર અને અન્ય આઠ વિદ્યાર્થી સીરિયામાં IsilLમાં જોડાયા હતા. નોટિંગહામનો ફદલ્લાહ તેની સાથે ભણતો હતો. IsilLમાં ખેદરની મૂખ્ય ભૂમિકા ભરતી કરવાની હતી.UMSTના ડીને ખેદર પર IsilLમાં વિદ્યાર્થીઓની ભરતીમાં મહત્ત્વની ભૂમિકાનો આક્ષેપ કર્યો હતો. અન્ય બ્રિટિશ ગ્રેજ્યુએટ અને મીડલ્સબરોમાં ઉછરેલા અને ડોક્ટરના પુત્ર મોહમમ્દ ફકરી અલ-ખબાસની પણ આ ભરતીમાં ભૂમિકા હતી.
સીરિયા પહોંચ્યા પછી ખેદર તરત જ IsilLમાં જોડાવા અનુરોધ કરતા એક વીડિયોમાં લાકડાની ઓફિસમાં ડેસ્ક પાછળ ગળામાં સ્ટેથેસ્કોપ સાથે દેખાયો હતો. પોતાને અબુ આમીર અલ-મુઝાહિર તરીકે ઓળખાવતા ખેદરે સાથી ડોક્ટરોને કહ્યું હતું કે તમે પશ્ચિમના દેશોમાં રહીને તમારા ઘરની સુખસગવડો માટે કામ કરો છો. તમારા કૌશલ્યનો ઉપયોગ કરો અને અહીં આવો. એક મુસ્લિમ તરીકે મારી સાથે જોડાવાની તમારી ફરજ છે.