લંડનઃ ભારતમાં આર્થિક ગુના આચરીને બ્રિટનમાં રહેતા વિજય માલ્યા, નીરવ મોદી, સંજય ભંડારી અને અન્યોને ભારતને સોંપવાની પ્રક્રિયા ઝડપી બનાવવા ભારત સરકારે બ્રિટન પર દબાણ સર્જ્યું છે. ગયા સપ્તાહમાં ભારતની તપાસ એજન્સી સીબીઆઇના ડિરેક્ટર પ્રવિણ સૂદે બ્રિટનની મુલાકાત લીધી હતી અને સિક્યુરિટી મિનિસ્ટર ડેન જાર્વિસને પ્રત્યર્પણ ઝડપી બનાવવા અપીલ કરી હતી.
સુદે જાર્વિસને જણાવ્યું હતું કે, યુકેની અદાલતોએ વિજય માલ્યા, નીરવ મોદી અને સંજય ભંડારીના પ્રત્યર્પણને મંજૂરી આપી દીધી છે તેથી તેમને ભારતને સોંપી દેવા જોઇએ જેથી તેમની સામે ભારતમાં કેસ ચલાવી શકાય.
યુકેની હાઇકોર્ટે વિજય માલ્યાના પ્રત્યર્પણને એપ્રિલ 2022માં જ મંજૂરી આપી હતી પરંતુ બ્રિટિશ સરકારે રાજ્યાશ્રયની અપીલ પરની ગુપ્ત પ્રક્રિયાનો ઉલ્લેખ કરીને હજુ સુધી માલ્યાના પત્યર્પણને મંજૂરી આપી નથી. તેવી જ રીતે નીરવ મોદીના કેસમાં ફેબ્રુઆરી 2021માં વેસ્ટમિન્સ્ટર કોર્ટે પ્રત્યર્પણને મંજૂરી આપી હતી. નીરવ મોદીએ ચુકાદા વિરુદ્ધ હાઇકોર્ટમાં અપીલ કરી હતી પરંતુ ત્યાં પણ તે પરાજિત થયો હતો. તેને સુપ્રીમ કોર્ટમાં અપીલની પરવાનગી પણ અપાઇ નથી. સંજય ભંડારીના પ્રત્યર્પણને નવેમ્બર 2022માં વેસ્ટમિન્સ્ટર કોર્ટ દ્વારા મંજૂરી અપાઇ હતી પરંતુ તેણે આ નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર આપ્યો હતો.
સીબીઆઇના વડાએ જાર્વિસને વિજય માલ્યા, નીરવ મોદી અને સંજય ભંડારી સહિત બે ડઝનથી વધુ ભાગેડૂઓને ભારતને સોંપવાની પ્રક્રિયા ઝડપી બનાવવા અપીલ કરી છે. જવાબમાં જાર્વિસે જણાવ્યું હતું કે, યુકેની લીગલ સિસ્ટમ પ્રક્રિયાને અનુસરી રહી છે.
માલ્યા, મોદી અને ભંડારી ઉપરાંત ઇકબાલ મિર્ચીની પત્ની હાજરા મેમણ, તેના પુત્રો જુનૈદ ઇકબાલ મેમણ અને આસિફ ઇકબાલ મેમણ સહિત કેટલાક ખાલિસ્તાની સમર્થકો પણ ભારતીય એજન્સીઓના વોન્ટેડ લિસ્ટમાં સામેલ છે.