લંડનઃ યુકેના સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર વર્ક એન્ડ પેન્શન્સ લિઝ કેન્ડાલે જણાવ્યું હતું કે, યુકેએ ભારત પાસેથી ઘણું શીખવાનું છે. વિશેષ યુકેએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સ્પેસ સાયન્સમાં ભારત પાસેથી ઘણા પાઠ ભણવાના છે.
લેબર ઇન્ડિયન ડાયસ્પોરા દ્વારા આયોજિત દિવાળી ઉજવણીમાં બોલતાં કેન્ડાલે જણાવ્યું હતું કે, હું ભારત અને યુકે વચ્ચેના સંબંધો મજબૂત બનાવવા પ્રતિબદ્ધ છું. અમે ભારત સાથે નવા વ્યૂહાત્મક સંબંધો બનાવવા માગીએ છીએ કારણ કે બંને દેશ વચ્ચેના સંબંધોનું મહત્વ અમે સમજીએ છીએ.
તેમણે જણાવ્યું હતું કે, ભારત દ્વારા હાલમાં જે પગલાં લેવામાં આવી રહ્યાં છે તેમાંથી આપણે ઘણું શીખવાનું છે. વિશેષ કરીને આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સ્પેસ સાયન્સ અને રિસર્ચ, ભાવિ નોકરીઓ તથા જ્ઞાનના સર્જન માટે ભારત પાસેથી શીખવું જોઇએ.
હેલ્થ સેક્રેટરી વેસ સ્ટ્રીટિંગે જણાવ્યું હતું કે, ભારતીયો અને બ્રિટિશ ભારતીયોની એક પછી એક આવી રહેલી પેઢીએ આપણી નેશનલ હેલ્થ સર્વિસને ટકાવી રાખી છે. તેમના દ્વારા હેલ્થ એન્ડ કેર, ક્લિનિકલ લીડરશિપ, સીનિયર મેનેજમેન્ટ, લાઇફ સાયન્સ અને મેડિકલ ટેકનોલોજી સેક્ટરમાં અપાતું યોગદાન ક્રાંતિકારી છે અને તેના દ્વારા આપણે આધુનિક સદીની હેલ્થ એન્ડ કેર ઉપલબ્ધ કરાવી શકીએ છીએ.